ગુજરાત હાઈકોર્ટે માનવીય અભિગમ દાખવી રજાને દિવસે સુનાવણી યોજી કોન્સ્ટેબલને જામીન આપ્યા
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે રજાના દિવસે પણ સુનાવણી કરીને જેલમાં બંધ પોલીસ કોન્સ્ટેબલને પીએસઆઈની પરીક્ષા આપવા માટે જામીન મંજુર કર્યા હતા. ન્યાયતંત્ર માટે એક ઉત્તમ અને આદર્શ ઉદાહરણ સાબિત થાય તેવી ઘટના સામે આવી છે.
ગુજરાત હાઈકોર્ટમાં શનિવારે રજા હોવાથી કોર્ટની કાર્યવાહી બંધ રહેતી હોય છે. પરંતુ હાઈકોર્ટે એક ઉમેદવારનું ભવિષ્ય ન બગડે તે માટે રજાના દિવસે પણ સુનાવણી કરી હતી. PISની પરીક્ષા માટે ઉમેદવારનું ભવિષ્ય ન બગડે અને પરીક્ષા આપી શકે તે માટે રજાના દિવસે પણ ખાસ એક કિસ્સા માટે કોર્ટની કાર્યવાહી થઈ. આ બાબતે અરજદારના વકીલ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે અરજદારની વિનંતીના આધારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમારની પરવાનગી બાદ ગીતા ગોપીની બેન્ચ સમક્ષ આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 10 હજારના બોન્ડ સાથે 1 દિવસના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. જેથી જેલમાં બંધ પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા આપી શકશે. જોકે હાલ અરજદારની કાયમી જમીનની અરજી કોર્ટમાં પેન્ડિંગ છે, પરંતુ અરજદાર ભવિષ્યને ધ્યાને રાખી કોર્ટે મહત્ત્વપૂર્ણ આદેશ કર્યો છે.
આ કેસની વિગત એવી હતી કે, વર્ષ 2021માં દાહોદના બદભાઈ ચૌહાણ નામના પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ACBના હાથે ઝડપાયા હતા. જે બાદ તેઓ જેલમાં બંધ હતા. અગાઉ તે PSI માટેની ફિઝિકલ પરીક્ષા પાસ કરી ચુક્યા છે. જેથી હવે પીએસની ભરતી માટેની લેખિત પરીક્ષા યોજવાની છે. જોકે હાલમાં પરીક્ષા આપવા માટે જામીન પર છૂટકારો જરૂરી હતો. જોકે શનિવારે કોર્ટમાં રજા હતી, પરંતુ આ ખાસ કિસ્સામાં કોર્ટે માનવીય અભિગમ દાખવીને સુનાવણી હાથ ધરી 17 જાન્યુઆરી બપોરે 3 કલાક સુધીના જામીન મજૂર કર્યા હતા.