રાજ્યમાં કોરોનાનો કહેર, પણ સોમનાથના દરિયાકિનારે રેતશિલ્પ મહોત્સવનો માહોલ
- સોમનાથ નજીક સમુદ્રકિનારે રેતશિલ્પ મહોત્સવનો માહોલ
- આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કરાયું આયોજન
- કલાત્મક રેત શિલ્પ નિહાળી સેહલાણીઓ અભિભૂત થયા
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક ચોપાટી પર સમુદ્રકિનારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ રેતશિલ્પ મહોત્સમાં કલા નિપુણ કલાકારો દ્વારા આકર્ષક રેતશિલ્પ નિહાળી સહેલાણીઓ અભિભૂત થયા છે. આ રેતશિલ્પના માધ્યમથી પ્લાસ્ટિક મુક્ત ભારત, વેકસીનેશન અભિયાન, કોરોના સામે જાગૃતિ, દેશની સાહસી સેના સહિતના સામાજિક જાગૃતિના સંદેશ આપવામાં આવ્યાં છે.
સાથે જ સૈન્ય દિવસની ઉજવણી પર વીર સૈનિકો અને સરદાર પટેલના પણ રેતશિલ્પનું નિર્માણ કરાયું હતું. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે સોમનાથ આવતા યાત્રીકો મહાદેવના દર્શન સાથે રેત શિલ્પ નિહાળી ધન્ય બની રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે મોટાભાગના મંદિરોમાં કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ભક્તોને ફરીવાર ભગવાનથી દૂર થઈ જવું પડ્યું છે. જાણકારો કહે છે કે ભીડ વધશે તો કોરોનાના કેસ પણ વધશે અને ઓમિક્રોનનો ખતરો પણ વધશે. લોકો દ્વારા સતર્કતા રાખવામાં આવશે તો વાંધો આવી શકે તેમ નથી, પણ જો બેદરકારી વધારે થશે તો અન્ય લોકો પર પણ જોખમ વધી શકે છે.