સુરેન્દ્રનગર એન્કાઉન્ટર કેસમાં હવે પોલીસ કર્મીઓને જાતે જ કેસ લડવા પડશે, સરકાર કેસ નહીં લડે
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ વિસ્તારમાં કુખ્યાત ગેંગસ્ટર હનિફખાન અને તેના સગીર વયના દીકરાનું પોલીસે એન્કાઉન્ટર કરાતા આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જેની સુનાવણી દરમિયાન સરકાર તરફથી એવી રજુઆત કરાઇ હતી કે આ બનાવ અંગે રિપોર્ટ આજે સવારે જ મળ્યો છે તે અંગે સોગંદનામુ કરવા સમયની જરૂર છે. સાથે એવી પણ રજૂઆત કરાઈ હતી કે એન્કાઉન્ટરમાં સમાવિષ્ટ પોલીસ અધિકારીઓ વતી સરકાર કેસ લડશે નહિ. અધિકારીઓ અંગત રીતે તેમનો કેસ લડશે. ચીફ જસ્ટિસની ખંડપીઠે તમામ પોલીસ અધિકારીઓને સ્પીડ પોસ્ટથી નોટિસ ફટકારીને વધુ સુનાવણી 24 જાન્યુઆરી પર મુકરર કરી છે.
હનીફ ખાનની દીકરી સોહાના મલેક તરફથી સિનિયર એડવોકેટ યતીન ઓઝાએ એવી દલીલ કરી હતી કે, પોલીસ દ્વારા કરાયેલા નકલી એન્કાઉન્ટરમાં તેમનો 13 વર્ષનો ભાઈ પણ મૃત્યુ પામ્યો છે. આ કેસની તપાસ સીબીઆઈ, સીટ, કે અન્ય રાજ્યની પોલીસને સોંપવા દાદ માંગવામાં આવી છે. પોલીસે એફઆઈઆરમાં ખોટી વિગતો લખી છે. જે લોકોના નામ લખ્યા છે એ લોકો 40 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા છે. એફ આઇ આરમાં આ લોકો હથિયાર લઈને પોલીસ પર હુમલો કરતા હતા એવી વાત રજૂ કરી છે. જે સાવ ઊપજાવી કાઢી છે.
એડવોકેટએ એવી રજુઆત કરી હતી કે, સગીર વયના માદિન ખાને પોલીસને પૂછ્યું હતું કે તેના પિતાને શા માટે લઈ જાઓ છો? તેનાથી ગુસ્સે થઈને પીએસઆઇ વી એન જાડેજાએ પોઇન્ટ બ્લેન્કથી તેને ગોળી મારી દીધી હતી. નજર સામે દીકરા પર ગોળીબાર થતો જોતા હનીફ ખાન ગુસ્સે ભરાયો હતો. જેથી પોલીસે તેની પર પણ ગોળીબાર કરતા તેનું પણ મૃત્યુ થયું હતું. પોલીસ દ્વારા ઊપજાવી કાઢેલી ફરીયાદ સામે સાચી દિશામાં તટસ્થ તપાસ માટે માંગણી કરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં નજરે બનાવ જોનારા સાક્ષીઓ પણ પોલીસે નકલી એન્કાઉન્ટર કર્યું હોવાનું નિવેદન આપી ચૂક્યા છે. હનીફ ખાન ગેડીયા ગેંગનો માસ્ટર ગણાતો હતો. (file photo)