- ચાલુ વર્ષે વૈશ્વિક બેરોજગારી 20.7 કરોડ પર પહોંચશે
- રોગચાળા પહેલાના 2019ના આંકડા કરતાં આ આંકડા 2.1 કરોડ વધારે છે
- રોજગાર વૃદ્વિનો ટ્રેન્ડ ઘણો નીચો છે
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં છેલ્લા બે વર્ષથી કોવિડના રોગચાળાનો કહેર જોવા મળી રહ્યો છે. જેને કારણે આર્થિક, સામાજીક એમ દરેક સ્તરે આંતરમાળખુ વધારે નબળું પડી રહ્યું છે. અનેક ઉદ્યોગ ધંધાઓ ઠપ થઇ ચૂક્યા છે અને હવે તેને કારણે વર્ષ 2022માં વૈશ્વિક બેરોજગારી 20.7 કરોડ પહોંચશે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના અંદાજ અનુસાર રોગચાળા પહેલાના 2019ના આંકડા કરતાં આ આંકડા 2.1 કરોડ વધારે છે.
જૂન 2021નો અંદાજ મૂકવામાં આવ્યો ત્યારે કામકાજના સમયગાળાની ઘટ એક ટકા રહેવાનો અંદાજ હતો. પણ રોગચાળાએ ફરીથી ઉથલો મારતા માંડ પાટે ચડેલું જનજીવન અસ્તવ્યસ્ત થવા માંડ્યું છે. આના લીધે કેટલાય પ્રાંત, વિસ્તારો અને દેશોમાં શરૂ થયેલી રિકવરી પણ પાછી ધકેલાઇ શકે છે.
સમૃદ્વ અર્થતંત્રોની તુલનાએ નીચી તેમજ મધ્યમ આવકવાળા દેશોમાં રિકવરી અને રોજગાર વૃદ્વિનો ટ્રેન્ડ ઘણો નીચો છે. તેનું કારણ રસીકરણનો નીચો દર અને ચુસ્ત રાજકોષીય નિયંત્રણો છે.
વિકાસશીલ દેશો પર આ પરિસ્થિતિની વ્યાપક અસર પડશે. તેના લીધે આર્થિક અસમાનતા વધશે. કામકાજના સ્થળે સ્થિતિ વધુ બગડશે અને રોગચાળા પૂર્વેની નબળી સામાજિક સંરક્ષણ વ્યવસ્થા વધુ નબળી પડશે.