સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક હવે નર્મદા નદીની આરતી થશે, શ્રદ્ધાળુઓ પણ લઈ શકશે ભાગ
અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં ગંગા નદીના કિનારે દરરોજ ગંગા આરતી થાય છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. દરમિયાન હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નર્મદા નદીના કાંઠે નદીની આરતી થશે. એટલું જ મંદિરની આરતીનો લાભ લેનાર શ્રદ્ધાળુ પાસેથી મળનારી દાનની રકમ શુલપાણેશ્વર મંદિર અને ઘાટના સમારકામ પાછળ ખર્ચવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર નર્મદા નદીના ગોરા ઘાટ પર હાલ દરરોજ 51 દીવાની સાત આરતી કતરવામાં આવે છે. હાલ બ્રાહ્મણો દ્વારા આ આરતી કરવામાં આવી રહી છે. જો કે, હવે આ આરતીનો લાભ સામાન્ય લોકો પણ લઈ શકે તે દિશામાં વિચારણા ચાલી રહી છે. હવે દરરોજ સાત જેટલા યજમાન આરતીનો લાભ લઈ શકશે. યજમાન પદ મેળવી ભક્તો આરતીનો સંકલ્પ લેશે અને બ્રાહ્મણો દ્વારા મહાઆરતી કરવામાં આવશે. યજમાન પદનો લાભ મેળવનારા શ્રદ્ધાળુ પાસેથી રૂ. 2500 જેટલી રકમ દાન પેટે લેવામાં આવશે. હાલ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ ઓનલાઈન ટિકીટ બુક કરાવે છે તેવી જ રીતે શ્રદ્ધાળુઓ નર્મદા ઘાટ મહા આરતી માટે બુકીંગ કરાવી શકાશે. જેથી હવે આગામી દિવસોમાં શ્રદ્ધાળુઓ નર્મદા ઘાટની આરતીના દર્શન પણ કરી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. જો કે, કોરોનાને પગલે હાલ પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. જો કે, કોરોનાના નિયંત્રણ હટાવ્યા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે તેવી શકયતા છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે વિશેષ ટ્રેન પણ દોડવવામાં આવી રહી છે. પ્રવાસીઓ માટે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.