રાજકોટ કલેકટર કચેરીમાં કોરોનાનું સંક્રમણઃ પાંચ કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ
- કલેક્ટર કચેરીમાં અત્યાર સુધીમાં 15 કર્મચારીઓ થતા સંક્રમિત
- 3 નાયબ મામલતદારોનો રિપોર્ટ પણ આવ્યો પોઝિટિવ
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કોરોનાની આ ત્રીજી લહેરમાં સામાન્ય નાગરિકોની સાથે તબીબો અને સરકારી અધિકારી-કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન રાજકોટ કલેકટર કચેરીમાં વધારે 5 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ કલેકટર કચેરીમાં ફરજ બજાવતા 3 નાયબ મામલતદાર અને એક ક્લાર્ક સહિત પાંચ કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે. જેથી તમામ કર્મચારીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. આમ કલેકટર કચેરીમાં અત્યાર સુધીમાં લગભગ 15 જેટલા અધિકારી-કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે સરકાર દ્વારા ધનવંતરી રથ તથા સંજીવની રથ દોડાવવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત કોરોના ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 27 શહેરોમાં રાત્રિ કરફ્યુ સહિત કેટલાક નિયંત્રણોનો નાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત લોકો માસ્ક અને સામાજીક અંતર સહિત સરકારની ગાઈડલાઈનનું પાલન કરે તે માટે પોલીસ અને સ્થાનિક તંત્રએ પણ કવાયત તેજ બનાવી છે.