સતત પાંચમાં દિવસે શેરમાર્કેટમાં ધબડકો, રોકાણકારોની મૂડીનું ધોવાણ, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો કડાકો
- સતત પાંચમાં દિવસે માર્કેટ ધડામ
- રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યાં
- સેન્સેક્સમાં આજે 1000 પોઇન્ટનો કડાકો
મુંબઇ: કારોબારી સપ્તાહના બીજા દિવસે એટલે મંગળવાર પણ શેરબજાર માટે અમંગળ સાબિત થયો હતો. સતત પાંચમાં દિવસે પણ માર્કેટ ધ્વસ્ત થતા રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો.
મંગળવારે શેરબજાર લાલ નિશાન સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 800 પોઇન્ટના કડાકા સાથે 56,683ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી સૂચકાંકે 232 પોઇન્ટ નીચે આવીને 16,917ની સપાટીએ કારોબારની શરૂઆત કરી હતી.
ભારતીય શેરબજારમાં સતત પાંચમાં દિવસે કડાકો યથાવત્ રહ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેરબજારમાં આવેલી પછડાટ આ પાંચ દિવસમાં સૌથી વધુ છે. માર્કેટમાં છેલ્લા પાંચ દિવસમાં જે કડાકો બોલ્યો છે તેના પર વાત કરીએ તો, મંગળવારે તેમાં 554, બુધવારે 656, ગુરુવારે 634 અને શુક્રવારે 427 અંકનો કડાકો બોલી ગયો હતો. આજે સેન્સેક્સ સૂચકાંકના તમામ 30 શેર્સ દિવસભર લાલ નિશાન પર બિઝનેસ કરતાં દેખાયા હતા.
સોમવાર માર્કેટ માટે બ્લેક મન-ડે સાબિત થયો હતો. સોમવારે બજાર ખુલતાંની સાથે જ લગભગ 1126 શેરમાં ઉછાળો આવ્યો હતો, જ્યારે 1175 શેરમાં ધબડકો અને 131 શેરમાં કોઈ ફેરફાર થયો નહોતો. આજે આવેલી પછડાટના કારણે રોકાણકારોને લગભગ 11 લાખ કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ગત અઠવાડીયે શુક્રવારે માર્કેટ કેપ 270 લાખ કરોડ રૂપિયા હતું, જે સોમવારે ઘટીને 259 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.