સૌરાષ્ટ્રઃ કોરોનાના મહામારી વચ્ચે ખાનગી સ્કૂલોના સંચાલકે માંગ્યો ફી વધારો
- વર્ષ 2019-2021 બાદ ફી વધારાની માંગ મુકી હતી
- 1500 શાળાઓને 5 થી 10 ટકા સુધીનો ફી વધારો માન્ય રાખવામાં આવ્યો
- 15 હજારથી વધારે સત્રની ફી હોય તેવી શાળાઓની સમિક્ષા બાકી
અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે કોરોનાને મહામારીને પગલે મોટાભાગના મહિનાઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું છે. કોરોનાને પગલે લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ગયા વર્ષે કોરોનાને પગલે સ્ટુલ ફીમાં 25 ટકા રાહત આપવામાં આવી હતી. જો કે, આ વર્ષે સ્કૂલ ફીમાં કોઈ રાહત આપવામાં આવી નથી. દરમિયાન સૌરાષ્ટ્ર ઝોનની સ્કૂલોના સંચાલકોએ ફીમાં વધારો માંગ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફી નિર્ધારણ કમિટી સમક્ષ સૌરાષ્ટ્ર ઝોનની શાળાઓએ ફી વધારા માટેની માંગ કરી છે. ફી નિર્ધારણ સમિટીએ સંખ્યાબંધ સ્કૂલોની માગણી સ્વીકારી લીધી છે. ફી નિર્ધારણ સમિટી (FRC) સમક્ષ આ શાળાઓએ વર્ષ 2019-2021 બાદ ફી વધારાની માંગ મુકી હતી. જેમાં ફી નિર્ધારણ કમિટી દ્રારા 15 હજારથી ઓછી ફી હોય તેવી 3500 જેટલી શાળાઓની સમિક્ષા કરવામાં આવી હતી. જેમાંથી 1500થી વધારે શાળાઓને 5 થી 10 ટકા સુધીનો ફી વધારો માન્ય રાખવામાં આવ્યો છે.
નવા સત્રથી આ ફી વધારો લાગુ થશે. ફી નિર્ઘારણ કમિટી દ્રારા 15 હજારથી ઓછી ફી ધરાવતી શાળાઓના ફી વધારાની સમિક્ષા કરીને તેના માટેનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે હજુ પણ 15 હજારથી વધારે સત્રની ફી હોય તેવી શાળાઓની સમિક્ષા બાકી છે આવી અંદાજિત 800થી વધારે શાળાઓ છે જેની આગામી દિવસોમાં સમિક્ષા કરવામાં આવશે.