અંડરવર્લ્ડ ડોન બનવાના અભરખા સાથે લેન્ડબ્રોકરને ધમકી આપીને ખંડણી માંગનારો ઝબ્બે
અમદાવાદઃ અંડરવર્લ્ડ ડોન બનવાની અભરખા સાથે સુરતના લેન્ડ બ્રોકરને ફોન કરીને ખંડણી માંગનારા માથાભારે શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોલીસ તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. તેમજ આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા કવયાત આરંભી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નાનપુરાના માથાભારે સંજુ કોઠારીએ મુંબઈના ગેંગસ્ટરોની સ્ટાઇલમાં જમીનદલાલને મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસમાં ક્રાઇમબ્રાંચે સંજુ કોઠારીને નાગપુરની હોટેલમાંથી ઝડપી લઈને પૂછપરછ આરંભી હતી. જમીનદલાલને માથાભારેએ ધમકી આપી કહ્યું કે, ’48 કલાકમાં તને પુરો કરી નાખીશ, હું વોન્ટેડ છું તો પણ તારી સામે બેઠો છું, હવેથી તુ એકલો ફરતો નહિ, તારે જીવવું હોય તો આઠ માણસો સાથે લઈને ફરજે’, આવી ધમકી આપી માર માર્યો હતો. જેના કારણે મામલો અઠવાલાઇન્સ પોલીસમાં ગયો હતો. આ અંગે જમીન દલાલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા કવાયત આરંભી હતી. પોલીસના ડરથી સંજુ કોઠારી કારમાં નાગપુર ફરાર થઈ ગયો હતો.
જમીન દલાલી કરતા 44 વર્ષીય ઈમ્તીયાઝ ઈકબાલ બચાવએ બિલ્ડર ઈરફાન ચામડિયા અને મકસુદ ગોડિલને ન્યુ ગોરાટ રોડ ખાતે જમીન અપાવી હતી. આ જમીન બાબતે બિલ્ડરે દલાલને ગત મંગળવારે સાંજે કોલ કરી સંજું કોઠારીના ઘરે જવાનું કહ્યું હતું. આથી જમીનની ડીલ બાબતે નાનપુરા જમરૂખ ગલીમાં માથાભારે સંજું કોઠારીની ઓફિસે મિટિંગ કરવા બન્ને બિલ્ડરો સાથે જમીન દલાલ ગયો હતો. જ્યાં આરોપીઓ ધમકી આપી હતી.