રાજપથ પર ગુજરાતના ટેબ્લો મારફતે ગુજરાતના આદિવાસીઓની શૌર્યગાથાની ઝલક જોવા મળી, જાણો શું હતી એ ઐતિહાસિક ઘટના
- રાજપથ પર ગુજરાતના આદિવાસીઓની શૌર્યગાથા જોવા મળી
- ગુજરાતના ટેબ્લો દ્વારા આઝાદી સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓનું યોગદાન ઉજાગર કરાયું
- જલિયાંવાલા બાગ કરતાં પણ ભયાવહ હતી તે ઐતિહાસિક ઘટના
નવી દિલ્હી: આજે રાજપથ પર યોજાયેલી પરેડમાં દેશના દરેક રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓની ઝલક જોવા મળી રહી છે ત્યારે આ વખતે ગુજરાતના ટેબ્લો મારફતે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓની ભૂમિકા તેમજ યોગદાનને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન રાજપથ પરથી વિવિધ રાજ્યોના ટેબ્લો પસાર થયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતનો ટેબ્લો રાજપથ પરથી પસાર થયો હતો. જેમાં આ વખતે ગુજરાતના શહીદોની થીમ પર ટેબ્લોની બનાવટ હતી. આ ટેબ્લોના માધ્યમથી આઝાદીના સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું હતું.
આદિવાસી ક્રાંતિવીરો વિશે વાત કરીએ તો, ઉત્તર ગુજરાતના સાંબરકાંઠા જીલ્લાના પાલ અને દઢવાવ ગામમાં અંગ્રેજોએ જલિયાંવાલા બાગ કરતાં પણ વધુ ભીષણ હત્યાંકાડ સર્જાયો હતો. જેમાં 1200 જેટલા આદિવાસીઓ શહીદ થયા હતા. અત્યાર સુધી આ ઐતિહાસિક ઘટના લોકો સમક્ષ આવી નહોતી અને આ ઘટનાને 100 વર્ષ થઇ રહ્યા છે. આ વખતે ગુજરાત સરકારે ટેબ્લોના માધ્મયથી ગુજરાતના આ આદિવાસીઓની શૌર્યગાથાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી હતી.
આ ઐતિહાસિક ઘટના વિશે જણાવીએ તો, 7 માર્ચ 1922માં અંગ્રેજોએ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પાસે દઢવાવ ગામે 1200થી વધુ લોકોને ગોળી મારી હત્યા કરી હતી. આ તમામ લોકોના મૃતદેહને કુવામાં નાંખી દેવામાં આવ્યા હતા. અંગ્રેજો દ્વારા લગાન વધારવામાં આવતા તમામ લોકો તેનો વિરોધ કરવા સભામાં આવ્યા હતા. સભામાં અંગ્રેજો સાથે વાતચીત ચાલી રહી તે સમયે તમામની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.