સુરતઃ શહેરમાં તાજેતરમાં ખાનગી ટ્રાવેલ્સની એક બસમાં આગ લાગતા મહિલાનું મોત નિપજ્યું હતું. આ આગ કેમ લાગી તે અંગે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વાતાનુકૂલિત બસમાં એસીનું કમ્પ્રેશર ફાટવાને કારણે આગ લાગી હોવાનું કહેવાતું હતું પણ એફએસએલની તપાસમાં એસિડના પાર્સલને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. બસમાં સેનેટાઇઝરથી લઈ દવાઓ અને હાઇડ્રોક્લોરિક એસિડ સહિતના 110 પાર્સલ હતા. પેરાલિક એસિડના કારણે બસમાં આગ લાગી હતી. FSL એ વધુ સેમ્પલ લઈને તપાસ કરી હતી. જેમાં માલૂમ પડ્યુ કે, પેરાલિક-હાઇડ્રોક્લોરિક એસિડ અને સેનેટાઈઝર મિક્સ થતા ધડાકો થયો હતો. આ મામલે રિપોર્ટ આવે એટલે પોલીસ જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં હીરાબાગ સર્કલ પાસે રાજધાની ટ્રાવેલ્સની બસ ઊભી હતી. બસમાં 12 પેસેન્જર બેસાડાયા હતા, ત્યાર બાદ બસ અક્ષરદીપ કોમ્પ્લેક્સ વેડ રોડથી કતારગામ તરફ જઈ રહી હતી. બસમા એસીનુ કમ્પ્રેસર ફાટતા આગ લાગી હતી. જેમાં સવાર ભાવનગરનો રહેવાસી વિશાલ નવલાની (ઉંમર 32 વર્ષ) ચાલુ બસમાંથી નીચે કૂદી ગયો હતો. તેને મોઢાના ભાગે ઈજા થઈ હતી. પરંતુ તેની પત્ની તાનિયા નવલાની (ઉંમર 30 વર્ષ) બસમાંથી કૂદી શકી ન હતી. આગને કારણે તે આખા શરીરે દાઝી ગઈ હતી. જેથી તે આગને લીધે મોતને ભેટી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, બસમાં લાગેલી આગનું ખરુ કારણ જાણવા સુરત પોલીસ તપાસ કરી રહી છે. જેના માટે બસના સેમ્પલ એફએસએલની ટીમને મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી. બસમાં સેનેટાઇઝરથી લઈ દવાઓ અને હાઇડ્રોક્લોરિક એસિડ સહિતના 110 પાર્સલો હતા, જેને કારણે આગ લાગી હતી.
એફએસએલના રિપોર્ટ મુજબ બસમાં હાઇડ્રોક્લોરિક એસિડની સાથે પેરાલિક એસિડની બાટલીઓ પણ હતી. પેરાલિક એસિડ પુટ્ઠા પર કે કાગળ સાથે જોરથી અથડાય ત્યારે ધુમાળો નીકળે છે અને તેની સાથે અન્ય કેમિકલ કે અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થ ભળે એટલે આગ લાગવાની સાથે ધડાકો થાય છે. આવુ જ તે સમયે થયુ હતું. પેરાલિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ લીક થઈને એક થયા અને તેના કારણે આગ લાગી હતી.હાલ એફએસએલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, એકવાર રિપોર્ટ આવે એટલે પોલીસ જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની છે. (file photo)