અફ્ઘાનિસ્તાનના લોકોના માથે આર્થિક સંકટ, હવે તો બે ટાઈમ ખાવાના પણ રૂપિયા નથી
દિલ્હી: અફ્ઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન દ્વારા સત્તાને હાથમાં લેવામાં આવી છે ત્યારથી ત્યાંની હાલત તો દયનીય બની છે. મીડિયા રિપોર્ટ અનુસાર અફ્ઘાનિસ્તાનમાં લોકો પાસે હવે ખાવાના પણ રૂપિયા રહ્યા નથી અને ના છૂટકે તેઓ હવે પોતાના શરીરના અંગોને વેચવા પર મજબૂર બન્યા છે. અફઘાનિસ્તાનની દિનપ્રતિદિન કથળતી આર્થિક સ્થિતિને કારણે અહીંના સામાન્ય લોકોનું જીવન ત્રાસદાયક બની રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીંના લોકો બે સમયની રોટલી માટે પોતાની કિડની વેચી રહ્યા છે.
જાણકારી અનુસાર અફઘાનિસ્તાનમાં શરીરના અંગોનો વેપાર કરવો ગેરકાયદેસર છે. પરંતુ આ પરિવારોનું કહેવું છે કે તેમની પાસે જીવવાનો બીજો કોઈ રસ્તો નથી. અહીં તાલિબાન તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ દેશની અર્થવ્યવસ્થાને સુધારવાના રસ્તાઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે અફઘાનિસ્તાન પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ અને વિશ્વ બેંકે દેશની કરોડોની સંપત્તિ બહાર પાડ્યા બાદ અહીંના લોકોની સ્થિતિમાં ઘણો સુધારો થઈ શકે છે. અર્થશાસ્ત્રી અબ્દુલ નાસિરે કહ્યું કે અહીં સામાનની કિંમતો ખૂબ જ ઝડપથી વધી છે, જેના કારણે સમાજનો એક મહત્વપૂર્ણ ભાગ પીડાઈ રહ્યો છે. અફઘાનિસ્તાનમાં રાજકીય સ્થિતિ બદલાયા બાદ વિશ્વ બેન્ક, આઈએમએફ અને યૂએસ ફેડરલ રિઝર્વે અફઘાનિસ્તાનને મળનાર ઇન્ટરનેશનલ ફંડમાં ઘટાડો કરી દીધો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટના કહેવા પ્રમાણે અહીં બેરોજગારી, ગરીબી અને ભૂખમરો હવે ખતરનાક સ્થિતિ પર પહોંચી ગયો છે.