WHOથી થઈ મોટી ભૂલ, કાશ્મીરને ચીન અને પાકિસ્તાનનો ભાગ બતાવ્યું
- WHOએ કરી ભૂલ
- જમ્મુ કાશ્મીરને ચીન અને પાકિસ્તાનનો ભાગ બતાવ્યું
- શું આ જાણી જોઈને કરવામાં આવે છે?
દિલ્હી: વિશ્વના તમામ દેશો જાણે છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો જ વિસ્તાર છે, ત્યાં લાખોની સંખ્યામાં ભારતીયો રહે છે છત્તા પણ કેટલાક દેશો દ્વારા તથા હવે WHO દ્વારા આ પ્રકારની ભૂલ કરવામાં આવે છે. WHO દ્વારા હાલમાં જમ્મુ અને કાશ્મીરને ચીન અને પાકિસ્તાનનો વિસ્તાર બતાવવામાં આવ્યું છે જેને લઈને ટીએમસીના નેતાએ આ બાબતે પીએમ મોદીને પત્ર લખ્યો છે.
તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડૉ. શાંતનુ સેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નકશામાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાન અને ચીનનો ભાગ દર્શાવવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ડૉ. સેને આના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આંતરરાષ્ટ્રીય મંચોમાં તેનો ઉગ્ર વિરોધ કરવાની માગ કરી છે. આ બાબત પર વડાપ્રધાનનું ધ્યાન દોરતાં તેમણે લખ્યું કે, હું તમારા ધ્યાન પર લાવવા માંગુ છું કે જ્યારે હું કોવિડની વૈશ્વિક સ્થિતિ જાણવા માટે WHOની વેબસાઇટ પર ગયો ત્યારે મેં એક નકશો જોયો, કે જેમાં જમ્મુ-કશ્મીરને બે અલગ રંગોમાં દર્શાવવામાં આવ્યું છે.
TMC સાંસદે પોતાના પત્રમાં કહ્યું કે આ એક ગંભીર આંતરરાષ્ટ્રીય મામલો છે. તેને તાત્કાલિક સુધારવું જોઈએ અને પૂછવું જોઈએ કે આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ શકે છે. અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની જેમ, આ મુદ્દે પણ સરકારે કડક વલણ અપનાવું જોઈએ.
વધુમાં પત્રમાં તે આગળ લખે છે કે ભારતના લીલા રંગ વાળા ભાગમાં ક્લિક કરવામાં આવ્યું ત્યારે તેમાં પાકિસ્તાનની કોરોના સ્થિતિ વિશે માહિતી દર્શાવવામાં આવી હતી અને બીજા અન્ય એક ભાગમાં ક્લિક કરવામાં આવ્યું ત્યારે ચીનની કોરોનાની માહિતી દર્શાવવામાં આવી હતી. તેણે આગળ લખ્યું કે તે નકશામાં અરુણાચલ પ્રદેશને પણ ભારતથી અલગ બતાવવામાં આવ્યુ છે.