રાજસ્થાનના જયપુરમાં એક ફેકટરીમાં ભિષણ આગઃ 3 બાળકો સહિત 4ના મોત
- આ દૂર્ઘટનામાં 2 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યાં
- આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરાઈ
ઉદેપુરઃ રાજસ્થાનના જયપુરમાં ટર્પેન્ટાઈન ઓઈલ ફેકટરીમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 3 બાળકો સહિત ચારના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટર્પેન્ટાઈન ઓઈલ બનાવતી એક ફેકટરીમાં આગ લાગી હતી. આ બનાવની જાણ થતા આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. તેમજ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બીજી તરફ આ બનાવને પગલે બચાવકાગમરી શરૂ કરવામાં આવી હતી. તેમજ ગંભીર રીતે દાઝેલા લોકોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક રાજકીય આગેવાનો પણ સ્થળ પર દોડી ગયા હતા. તેમજ બનાવની વિગતો મેળવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ટર્પેન્ટાઈન ઓઈલ બનાવવાની ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગમાં દાઝી જવાને કારણે અત્યાર સુધીમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.