દેશમાં વર્ષ 2026માં પ્રથમ બુલેટ ટ્રેન દોડતી થઈ જવાનો અંદાજ, અનેક રૂટ ઉપર હાઈસ્પીડ ટ્રેન દોડાવવાનું આયોજન
દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન દોડાવવાનું સ્વપ્ન જોયું છે. મોદી સરકારના પહેલું રેલ બજેટ રજૂ કરતા વર્ષ 2014માં સદાનંદ ગૌડાએ બુલેટ ટ્રેનની જાહેરાત કરી હતી. તે સમયે સરકારે વર્ષ 2023માં બુલેટ ટ્રેન દોડતી થવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. બુલેટ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડશે અને વધારેમાં વધારે સ્પીડ 350 કિમી પ્રતિ કલાક હશે. જાપાનના સહયોગથી ભારત સરકાર મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ ઉપર ઝડપથી કામચાલી રહ્યું છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની સ્પીડ 320 કિમી પ્રતિકલાક હશે. મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન માટે અલગથી હાઈસ્પીડ ટ્રેક પાથરવાની કામગીરી થઈ રહી છે. આ ટ્રેન સમુદ્રમાંથી પસાર થશે. બુલેટ ટ્રેન આ રૂટ ઉપર કુલ 508 કિમીનું અંતર માત્ર બે કલાકમાં જ પૂર્ણ કરશે. અગાઉ કેન્દ્રીય રેલ મંત્રીએ કહ્યું હતું કે, દેશની હાઈસ્પીડ બુલેટ ટ્રેનને લઈને મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પરિયોજના ઉપર કામ ચાલી રહ્યું છે. વર્ષ 2026માં બુલેટ ટ્રેન દોડતી થાય તેવી શકયતા છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લીમિટેડ અનુસાર વર્ષ 2026માં સૌ પ્રથમ સુરત-બિલીમોરા વચ્ચે બનેલા સેક્શન ઉપર બુલેટ ટ્રેનની ટ્રાયલ શરૂ કરાશે.
આ સેક્શન 63 કિમીનો હશે. આ પ્રોજેક્ટ હેઠળ સુરત-નવસારી-વાપી વચ્ચે ઝડપથી કામ ચાલી રહ્યું છે. દિલ્હી-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડવવાનું યોજન કરવામાં આવી રહ્યું છે. બુલેટ ટ્રેનથી દિલ્હીથી અમદાવાદનું અંતર માત્ર 4 કલાકમાં કાપી શકાશે. અત્યારે દિલ્હીથી અમદાવાદ વચ્ચેનું અંતર લગભગ 14 કલાક જેટલું છે. દિલ્હી-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાનો કુલ ટ્રેક 875 કિમી લાંબો હશે. આ ટ્રેકનું 75 ટકા ભાગ એટલે કે 657 કિમી લાંબો ટ્રેક રાજસ્થાનમાં બનશે. બુલેટ ટ્રેનનો ટ્રેક પાંચ નદીઓ ઉપરથી પસાર થશે. આ ઉપરાંત અન્ય રૂટ ઉપર બુલેટ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વારાણસી-હાવડા, મુંબઈ-નાગપુર, દિલ્હી-અમદાવાદ, ચેન્નાઈ-મૈસુર, દિલ્હી-અમૃતસર અને મુંબઈ-હૈદરાબાદ રૂટ ઉપર બુલેટ ટ્રેન યોજનાનો સર્વે ચાલી રહ્યો છે. દેશમાં અનેક ટ્રેનો 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડે છે. મેડ ઈન ઈન્ડિયા વંદે ભારત એક્સપ્રેસની ગતિ 180 કિમી પ્રતિ કલાક છે.