અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે વ્રષથી કોરોના કાળ ચાલી રહ્યો છે. કોરોનાને કારણે ગત વર્ષે અનેક લગ્નો મોકૂફ રાખવામાં આવ્યા હતા. એટલે આ વર્ષે અનેક લગ્નો લેવાયા છે. જેમાં વસંત પંચમીના શુભદિને અમદાવાદ સહિત મહાનગરો અને નાના શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ધૂમ લગ્નો લેવાયા છે. હાલ કોરોનાને લીધે લગ્નોમાં 150 વ્યક્તિઓને મંજુરી આપવામાં આવેલી છે. તેથી લગ્નના આયોજકો બે-ત્રણ તબક્કામાં જમણવાર યોજીને સગા-સંબંધીઓને સાચવી લેવાની ગણતરી કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષના લગ્નનાં 71 મુહૂર્ત સામે આ વર્ષે માત્ર 51 મુહૂર્ત છે. જો કે, ફેબ્રુઆરીમાં લગ્નના સૌથી વધુ મુહૂર્ત આવે છે. ફેબ્રુઆરીની 5, 6, 7, 10, 16, 17 તારીખ લગ્ન મુહૂર્ત માટે શ્રેષ્ઠ છે. 5, 6 અને 7 ફેબ્રુઆરીએ અતિ શુભમુહૂર્ત હોવાથી અમદાવાદ શહેરમાં 2 હજારથી 2500 લગ્ન થવાના હોવાનો અંદાજ છે. આ તારીખો માટે 6 મહિના પહેલાંથી જ હોલ, પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. 2022ના ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં લગ્નનું એકપણ મુહૂર્ત નથી. જાન્યુઆરીમાં લગ્નના 10 મુહૂર્ત હતા. કોરોનાને કારણે મોકૂફ રખાયેલા ગત વર્ષના લગ્ન પણ ફેબ્રુઆરીના શુભ મૂહુર્તમાં યોજાઈ રહ્યા છે.
અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ્સના સંચાલકોના જણાવ્યા મુજબ ફેબ્રુઆરી મહિનાની 5,6,7મી તારીખે શહેરના તમામ પાર્ટી પ્લોટ ભરેલા જોવા મળશે. આ 3 તારીખ માટે આગામી 4 મહિના અગાઉ બુકિંગ નક્કી કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી મહિનામાં મોટા ભાગના લગ્નના ઓર્ડર કેન્સલ થયા હતા. અમદાવાદ શહેરમાં વસંત પંચમીના રોજ સૌથી વધુ લગ્નો યોજાશે જ્યારે કર્મકાંડી પંડિતોના જણાવ્યા મુજબ કોરોનાના કારણે જાન્યુઆરી મહિનામાં ઓછાં લગ્ન થયાં હતાં. જો કે ફેબ્રુઆરીમાં સ્થળ લગ્નની સંખ્યામાં વધારો જોવા મળશે.શહેરમાં લગ્ન હોલમાં કે પાર્ટીપ્લોટમાં થતા હોય છે, પરંતુ કોવિડ ગાઈડ લાઈનના કારણે 150 લોકોની પરમિશન હોવાથી ઘરઆંગણે લગ્ન વધુ થશે.