અમદાવાદઃ એસટી નિગમ તેના અધિકારીઓની લાપરવાહીને કારણે જ ખોટ કરતી હોવાનું કહેવાય છે. હાઈવે પરના ટોલનાકા પર ફાસ્ટટેગ ફરજિયાત છે. નિયમ મુજબ ફાસ્ટટેગ ન હોય તો બમણો ટોલ ચુકવવો પડતો હોય છે. આ નિયમ હોવા છતાં એસટી બસોમાં ફાસ્ટટેગ ન હોવાથી સાત મહિનામાં વધારાના 69 લાખ ભરવા પડ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા હાઈવે પર પસાર થતા તમામ ફોર વ્હીલ વાહનો માટે ફાસ્ટેગ અનિવાર્ય કરવામાં આવ્યું છે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત એસટી બસોમાં જ નિગમ દ્વારા ફાસ્ટેગ ન લગાવાતા નિગમને એપ્રિલ 2021થી ઓક્ટોબર 2021 સુધી ફક્ત 7 જ મહિનામાં લગભગ 69 લાખ રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. વધુમાં આ સમય દરમિયાન એસટી બસો દ્વારા હાઈવે ટોલબુથ પર ફાસ્ટેગ ન હોવાથી 1.39 કરોડ રૂપિયા રોકડા ચુકવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ભારત સરકાર દ્વારા 15 ફેબ્રુઆરી 2021થી દરેક ફોરવ્હીલ વાહનોમાં ફરજિયાત ફાસ્ટેગ લગાવવાની સૂચના આપવામાં આવી છે. જે વાહનમાં ફાસ્ટેગ નહીં હોય તેમની પાસેથી ટોલ પ્લાઝા પર ડબલ ફી વસૂલ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. બીજી બાજુ ગુજરાત સરકાર દ્વારા બસોમાં ફાસ્ટેગ લગાવવા માટે એડવાન્સમાં ખાનગી બેંક સાથે સમજૂતી કરી હતી. ત્યારે દરેક વાહનમાં ફાસ્ટેગ લાગે તેની જવાબદારી નિગમના અધિકારીઓની હતી. પણ અધિકારીઓ દ્વારા બદઈરાદાથી દરેક વાહનમાં ફાસ્ટેગ લગાવવામાં આવ્યો નહતો. આ સમય દરમિયાન બસોમાં ફાસ્ટેગ ન હોવાથી ફક્ત દાહોદ ડેપો દ્વારા જ 6.82 લાખ રૂપિયા વધુ ચુકવવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેના પગલે ઉચ્ચ સત્તાવાળાઓએ આ રીતે થયેલી ચુકવણી અંગે ઓડિટ તપાસ કરતા નિગમ દ્વારા 1 એપ્રિલથી 31 ઓક્ટોબર દરમિયાન ફાસ્ટેગ ન હોવાના પગલે રોકડમાં 1.39 કરોડ રૂપિયા ચુકવવામાં આ આવ્યા હતા. જેમાં નિગમને 69.31 લાખ રૂપિયાનું નુકસાન ડબલ ટોલ પ્લાઝા ચુકવવાના કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે