સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેરિટ બેઝ પ્રોગ્રેશનમાં નાપાસ થયેલા વિદ્યાર્થીની ફરી પરીક્ષા લેવાશે
રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી કોરોનાને કારમે શિક્ષણ પર વિપરિત અસર પડી છે. ગત વર્ષે શાળાઓના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું તેવી રીતે કોલેજોના વિદ્યાર્થીઓને તેમના અગાઉના સેમેસ્ટરના પરિણામના આધારે મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ તેમાં પણ નાપાસ થયા હતા. આવા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી પરીક્ષા લેવા જઈ રહી છે જેના ફોર્મ આગામી તારીખ 5 ફેબ્રુઆરીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પરથી ભરી શકાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ વર્ષ 2010થી 2015 સુધીના એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ પણ ભરવાના ચાલુ છે ત્યારે વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી શકે અને સરકારી ભરતીનો લાભ લઇ શકે તે માટે યુનિવર્સિટી આ વિદ્યાર્થીઓની પરીક્ષા લઇ રહી છે. જોકે પરીક્ષાની તારીખ યુનિવર્સિટી હવે પછી જાહેર કરશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોરોનાકાળ દરમિયાન કોલેજોના યુજીના બીજા અને ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને પણ મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવાની જાહેરાત કરી હતી. જેમાં અનેક વિદ્યાર્થીઓને મેરિટ બેઝ પ્રોગ્રેશન અપાયું હતું જેમાં વિદ્યાર્થીના અગાઉને સેમેસ્ટરના મળેલા માર્કના આધારે ગણતરી કરીને માર્કશીટ બનાવવામાં આવી હતી, પરંતુ એમબીપીમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને પાસ થઇ શકે અને આગળ કારકિર્દીમાં ઉપયોગી થઇ શકે કે સરકારી ભરતીમાં ઉમેદવારી કરી શકે તેવા હેતુથી યુનિવર્સિટીએ એમબીપી અને અગાઉ વર્ષ 2010થી 2015 દરમિયાન એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.