અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની સુવિધા માટે વધુ બે એસ્કેલેટર સીડીનું લોકાર્પણ કરાયું
અમદાવાદઃ શહેરમાં કાળુપુર રેલવે સ્ટેશન પર ટ્રાફિરનું ભારણ વધતું જાય છે. રોજબરોજ લાંબા અંતરની અનેક ટ્રેનોની આવન-જાવનને લીધે પ્રવાસીઓથી રેલવે સ્ટેશન ભરચક બની જતું હોય છે. પ્રવાસીઓની સુવિધા માટે રેલવે સ્ટેશન પર વધુ એસ્કેલેટર મુવામાં આવી રહ્યા છે. જેમાં વધુ બે નવી એસ્કેલેટર સીડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે વિશાળ રેલવે સ્ટેશન હોવાના કારણે એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે પ્રવાસીઓને સરળતા રહે તે માટે ઈલેક્ટ્રીક સીડી એટલે કે એસ્કેલેટર મુકવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર એસ્કેલેટર મૂકવામાં આવ્યું છે. અગાઉ રેલ્વે સ્ટેશન એન્ટ્રી અને એક્ઝિટના સ્થાને પણ એસ્કેલેટર મૂકવામાં આવ્યું હતું. જે બાદ પ્રવાસીઓની સંખ્યામાં દિવસેને દિવસે અવરજવરમાં વધારો થતાં નવા 2 એસ્કેલેટર મૂકવામાં આવ્યા છે. ખાસ સિનિયર સિટીઝન અથવા તો દિવ્યાંગો ને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે અગવડતા ન પડે તે માટે ખાસ નવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી તથા અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમારની હાજરીમાં બે એસ્કેલેટરની સુવિધા શરૂ કરવામાં આવી હતી.
અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશન ખાતે હજુ અલગ-અલગ પ્લેટફોર્મ પર આ પ્રકારે એસ્કેલેટરની સુવિધા ઉભી કરવાની કામગીરી ચાલી રહી છે સાથે સાથે રેલવે સ્ટેશન પર અત્યાર સુધી કુલ 9 જેટલી લિફ્ટ છે. આ ઉપરાંત હજુ નવી 5 લિફ્ટની સુવિધા ઊભી કરવાની કામગીરી ચાલી રહી છે