ભારતે પોતાનું અમૂલ્ય રત્ન ગુમાવ્યુઃ સુર સમ્રાજ્ઞી સ્વ. લત્તા મંગેશકરને CM ભૂપેન્દ્ર પટેલએ શ્રદ્ધાંજલિ અર્પી
ગાંધીનગરઃ સુર સમ્રાજ્ઞી લતા મંગેશકર કોરોના સામેની લડાઈ હારી ગયાં અને દુનિયાને અલવિદા કહી દીધું. આજે સવારે તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. લતાજીના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન ત્રિરંગો અડધો ઝુકેલો રહેશે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈમાં શિવાજી પાર્કમાં રાખવામાં આવશે. સ્વર્ગસ્થ લત્તાજીને વડાપ્રધાન સહિત રાજકીય નેતાઓ, ફિલ્મી જગતની હસ્તીઓ વગેરેએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લત્તાજીને શ્રધ્ધાજલિ અર્પતા જણાવ્યું હતું કે, ભારતે પોતાનું સૌથી અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે. અને ભારતીય સંગીતના ઈતિહાસનો એક સૂર આથમ્યો છે.
વિશ્વભરમાંથી લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવામા આવી રહી છે. ત્યારે ગુજરાત સાથે પણ તેમની અનેક યાદગીરી જોડાયેલી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત ગુજરાતી ગીત-સંગીત સાથે જોડાયેલી અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશનો સૂર અનંતમાં વિલીન.. ભારતે પોતાનું સૌથી અમૂલ્ય રત્ન ગુમાવી દીધું. પ્રસિધ્ધ સૂરસામ્રજ્ઞી લતા મંગેશકરનું અવસાન આપણા સૌ માટે મોટી ખોટ છે.પરમાત્મા સદગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના.
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ કે, સ્વર સામ્રાજ્ઞી લતા દીદીનાં દુખદ નિધનનાં સમાચારથી વ્યથિત છું. સંગીતનાં એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે પણ એમનાં ગીતો અને એમનો અવાજ સદાય અમર રહેશે. દુનિયાભરનાં એમનાં પ્રશંસકો અને પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ અને એમના દિવંગત આત્માને શાંતિ પ્રાપ્ત થાય એવી પરમાત્માને પ્રાર્થના.