નવી દિલ્હીઃ લોકસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણની ચર્ચા ઉપર કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન આગામી એપ્રિલ મહિનામાં રાજ્યસભાના એક બે નહીં પરંતુ 19 સભ્યોનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પાર્ટીના નેતાઓનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના સિનિયર નેતા અને રાજયસભાના સભ્ય આનંદ શર્માનો આગામી 2 એપ્રિલના રોજ કાર્યકાળ પુર્ણ થઈ રહ્યો છે. આ ઉપરાંત પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટની, પ્રતાપ સિંહ બાજવા, શમશેર સિંહ ડુલ્લો, રિપુન બોરા, રાની નારા અને હિમાચલ પ્રદેશના એક સભ્યનો કાર્યકાળ પણ સમાપ્ત થવા જઈ રહ્યો છે. સુબ્રમણ્યમ સ્વામી, સુરેશ ગોપી, રૂપા ગાંગુલી, શ્વેત મલિક અને પત્રકાર સ્વપ્ના દાસગુપ્તા પણ આમાં સામેલ છે. આ સિવાય મેરી કોમ અને અર્થશાસ્ત્રી નરેન્દ્ર જાધવનો કાર્યકાળ પણ એપ્રિલ મહિનામાં સમાપ્ત થશે. નાગાલેન્ડના એકમાત્ર સભ્ય નાગા પીપલ્સ ફ્રન્ટના કેજી કીને પણ સેવાનિવૃત્ત થશે. લોકતાંત્રક જનતા દળના એમવી શ્રેયમ્સ કુમાર, સુખદેવ સિંહ ઢિંડસા, પંજાબમાંથી શિરોમણી અકાલી દળના નરેશ ગુજરાલ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના કે સોમા પ્રસાદ અને ઝરના દાસ બૈદ્ય પણ એપ્રિલમાં નિવૃત્ત થશે.
આમ રાજ્યસભાના 19 સભ્યોનો કાર્યકાળ એપ્રિલમાં પૂરો થઈ રહ્યો છે. તેમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના પાંચ અને કોંગ્રેસના છ સાંસદોનો પણ સમાવેશ થાય છે. આ સભ્યોની સેવાનિવૃત્તિ બાદ રાજ્યસભામાં કોંગ્રેસની સંખ્યા 34થી ઘટીને 28 થઈ જશે, જ્યારે ભાજપની 97માંથી ઘટીને 92 થઈ જશે. 245 સભ્યોના ગૃહમાં ભાજપ હજુ પણ સૌથી મોટી પાર્ટી છે.