ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચમાં લેવાનારી ધોરણ-10 અને 12ની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા હોવાથી બોર્ડે આવા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે વધુ 10 દિવસની મુદત આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ તેના માટે અલગથી લેઇટ ફી અને પેનલ્ટી ભરવાની રહેશે. જ્યારે કોરોનાની અસર ઘટતા હવે ધોરણ 9થી 12ની પ્રિલીમ -દ્રિતિય પરીક્ષા 10 ફેબુ્રઆરથી ઓફલાઇન જ લેવાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા મુજબ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓના ફોર્મ 16 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે. ફોર્મ ભર્યા બાદ રેગ્યુલર પરીક્ષા ફી સાથે રૂ. 500 લેઈટ ફી અને પેનલ્ટી પણ લેવાશે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022ની પરીક્ષા માટે આવેદનપત્રો ભરી શકાય તે હેતુથી 7 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી ઓફલાઈન માધ્યમે પરીક્ષા ફોર્મ ભરવા માટે વધુ 10 દિવસની મુદત આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. જે માટે બોર્ડની વેબસાઈટ પરથી ફોર્મના નમુનાની પ્રિન્ટ લઈ જે શાળામાં અગાઉ અભ્યાસ કર્યો હોય તે શાળાના સહી સિક્કા, જરૂરી દસ્તાવેજો અને નિયત પરીક્ષા ફી રૂ. 350 ઉપરાંત લેઈટ ફી રૂ. 500 સાથે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવી બોર્ડની કચેરીમાં રૂબરૂ કે ટપાલથી જમા કરાવવાના રહેશે. દરમિયાન રાજ્યમાં ધો.1થી9ની સ્કૂલો ઓફલાઈન શિક્ષણ માટે શરુ કરી દેવાઈ છે ત્યારે 10મીથી સ્કૂલોમાં પ્રિલિમ-દ્વિતિય સત્રની પરીક્ષાઓ શરુ થશે. જે પણ સ્કૂલ કક્ષાએ ઓફલાઈન જ લેવાશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યુ છે કે સોમવારથી રાજ્યમાં સ્કૂલો કલાસરુમ શિક્ષણ માટે શરુ કરી દેવાઈ છે. ધો.10થી12નું ઓફલાઈન શિક્ષણ કાર્ય પણ પહેલેથી ચાલુ જ છે. ધો.9થી12ની પ્રિલીમ -દ્રિતિય પરીક્ષા 10 ફેબુ્રઆરીથી શરુ કરવાની રહેશે અને 18મી સુધી પૂર્ણ કરી દેવાની રહેશે.