અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. બીજીબાજુ સરકારે કોરોનાની વેક્સિનના પ્રથમ કે બીજા ડોઝથી વંચિત રહી ગયેલા લોકો તેમજ સિનિયર સિટીઝન માટે ત્રીજો બુસ્ટર ડોઝ આપવાની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે.ગુજરાતમાં વેક્સિનેશન અભિયાન પણ પૂરજોશથી ચાલી રહ્યું છે. જે રીતે કોરોના વેક્સિનેશન થઈ રહ્યું છે તે જોતા રાજ્યમાં નવો વિક્રમ સ્થાપિત થશે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના 9 કરોડ 98 લાખ 80 હજાર 825 ડોઝ આપી દેવામાં આવ્યા છે. આજે ગુજરાતમાં 10 કરોડ રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ થશે.
ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. સાથે જ વેક્સિનેશન ઝૂબેશ ચલાવવામાં આવી રહી છે. આંતરિયાળ પહાડી વિસ્તારોથી લઈને કાંઠા વિસ્તારો સુધી જે પ્રકારે રસીકરણ ચાલી રહ્યું છે તેની કેન્દ્ર સ્તરે પ્રશંસા થઇ રહી છે. રાજ્યમાં 16 જાન્યુઆરી 2021થી કોરોના સામેની વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે સમયે સૌ પ્રથમ સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી અપાઈ હતી.
ત્યારબાદ પહેલી માર્ચથી વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ થયો હતો. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બીમારી સામે ઝઝૂમતા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી અપાઈ હતી. 17 એપ્રિલ 2021ના રોજ દેશમાં એક કરોડ વેક્સિનના ડોઝ આપવાનો વિક્રમ સર્જાયો હતો. 13 જુલાઈ 2021એ આ આંકડો બે કરોડને પાર પહોંચી ગયો હતો. તો 20 જુલાઈ 2021ના દિવસે ત્રણ કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. 15 ઓગસ્ટના રોજ 4 કરોડ, 8 સપ્ટેમ્બરના દિવસે 5 કરોડ અને 22 ઓક્ટોબર 2021ના દિવસે 6.80 કરોડ ડોઝ અપાયા હતા. 28 નવેમ્બર 2021ના દિવસે 8 કરોડ. 12 જાન્યુઆરી 2022ના દિવસે 9 કરોડનો વેક્સિનેશનનો આંકડો પાર થયો હતો. રાજ્યમાં હાલમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, તેવામાંવેક્સિનેશનનો આ વિક્રમ કોરોના સામેની જંગમાં મહત્વનો સાબીત થશે.