જુનાગઢની જેલનો બર્થ ડે પાર્ટીનો વિડિયો વાયરલ થયા બાદ તપાસ કરાતા બે મોબાઈલ મળી આવ્યા
જૂનાગઢઃ શહેરની જેલમાં કેદીઓએ બર્થ ડે પાર્ટીની ઊજવણી કરી રહ્યા હોય તેવો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેની નોંધ જેલના વડાએ લઈને તપાસના આદેશ આપ્યા હતા. ત્યારબાદ તપાસ કરતા જેલમાંથી બે મોબાઇલ અને એક રાઉટર મળી આવ્યા છે. જેલ વડાની સ્ક્વોડ તપાસમાં વાંધાજનક વસ્તુ મળી આવતા અજાણ્યા શખ્સો સામે ડી.જી સ્ક્વોડ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જૂનાગઢની જેલમાં જન્મદિવસની ઊજવણીના વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શન આવી હતી.અને જેલમાં તપાસ શરુ કરી હતી. જેલ વડાની સ્ક્વોડની તપાસમાં એક કિપેડવાળો મોબાઇલ અને રાઉટર પાણીની ટાંકી નીચે છુપાવેલો મળી આવ્યો હતો, જ્યારે બીજો કિપેડવાળો મોબાઇલ કચરાપેટીમાંથી મળી આવ્યો હતો. જેલના કેદીઓ દ્વારા વાપરવામાં આવતા એન્ડ્રોઇડ મોબાઇલ સગેવગે થયા હોવાની ચર્ચા ચાલી છે. સાથે જ સતત બે દિવસની તપાસના અંતે માત્ર બે મોબાઇલ મળતા અનેક શંકા-કુશંકા સેવાઇ રહી છે.
જુનાગઢની જેલમાં જન્મદિવસની ઊજવણીના વીડિયો વાયરલ થતા એલસીબીની ટીમ તપાસ માટે જૂનાગઢ જેલમાં પહોંચી હતી. પોલીસ વીડિયો અંગે ખરાઈ કરી રહી છે. તપાસ બાદ હકીકત સામે આવશે. જે વીડિયો વાયરલ થયા છે તેમાં જોઈ શકાય છે કે, જેલની અંદર કેદીઓ કેક કાપી રહ્યા છે, અને ફટાકડા ફોડી રહ્યા છે. જન્મદિવસની આ ઉજવણીમાં કેટલાક શખ્સોના હાથમાં બીયરનું કેન પણ દેખાઈ રહ્યું છે. જેલમાં જે આરોપી છે તેની ઓળખ યુવરાજ માંજરિયા તરીકે કરાઈ છે. યુવરાજ પોતાની સગી બહેનની હત્યાના ગુનામાં જૂનાગઢ જેલમાં બંધ છે. દાવો કરાયો છે કે, વીડિયો બીજી ફેબ્રુઆરીનો છે. જન્મદિવસની ઉજવણી માટે આરોપીના મિત્રો પણ જેલમાં પ્રવેશ્યા હોવાની ચર્ચા છે. વાયરલ વીડિયોથી હાલ તો અનેક સવાલો ઉઠ્યા છે