કોંગ્રસના તાલુકા, જિલ્લા સંગઠનને સક્રિય બનાવાશે, 14મીથી સભ્ય નોંધણી, પેઈજ પ્રમુખો નિયુક્તિ કરાશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ કરતા ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફેબ્રુઆરી મહિનાના અંત પહેલા જિલ્લા અને તાલુકા પ્રમુખો બદલવામાં આવશે. કોંગ્રેસે એક નીતિ નક્કી કરી છે કે, સંગઠનમાં જેમને સ્થાન અપાશે તે ચૂંટણીમાં ઉમેદવારી કરી શકશે નહીં. એટલે વિધાનસભા ચૂંટણી લડવા માગતા નેતાઓને જિલ્લા કે તાલુકા સંગઠનમાં કે પ્રદેશ સંગઠનમાં સ્થાન આપવામાં આવશે નહી. ઉપરાંત કોંગ્રેસે દ્વારા મહાજન સંપર્ક અભિયાન શરૂ કરાશે. જેની શરૂઆત 14 ફેબ્રુઆરીથી કરવામાં આવશે.. 14 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય વિસ્તારમાં સભ્ય નોંધણી ઝુંબેશની સાથે મહાજનસંપર્ક અભિયાન ચાલશે. જ્યારે બીજા તબક્કામાં 25 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી શહેરી વિસ્તારમાં ઝુંબેશ ચાલશે. આ ઝુંબેશ દરમિયાન રાજ્યની જનતાને લગતા વિવિધ મુદ્દાઓ અંગે લોકોના અભિપ્રાય લેવામાં આવશે અને તે મુદ્દાઓને કોંગ્રેસ વિધાનસભામાં સવિસ્તાર રજૂ કરશે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદિશ ઠોકોરની નિયુક્તિ બાદ કાર્યકરોને સર્કિય કરવામાં આવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખે પહેલા પણ સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસના કાર્યકરો એક્ટિવ છે. તેમજ આગામી વિધાનસભા ચુંટણીમાં યોગ્ય કાર્યકરોને ટિકિટ માટે પસંદ કરવામાં આવશે. તેમજ જે બેઠકો કોંગ્રેસ ખૂબ ઓછા માર્જિનથી હારી છે તેની પર જોર લગાવશે અને ભાજપને રાજ્યના ટક્કર આપશે. આ ઉપરાંત ભાજપના શાસનથી લોકોના ત્રસ્ત છે અને યુવાનો પણ રોજગારી માંગી રહ્યા છે જ્યારે ભાજપ સરકાર વાયદા પાર્ટી બની ચૂકી છે. ગુજરાતની 182 વિધાન સભામાં પ્રત્યેક વિધાન સભામાં 20 હજાર જેટલા એવરેજ નવા મતદારો ઉમેરાયા છે.નવા ઉમેરાયેલા મતદારો આગામી વિધાનસભામાં કોંગ્રેસમાં જોડવા માટે કોંગ્રેસ રણનીતિ ઘડી રહ્યું છે.
કોંગ્રેસના સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાજપની જેમ કોંગ્રેસ દ્વારા પણ પેઈજ પ્રમુખ બનાવવામાં આવશે. ભાજપમાં ગયેલા કેટલાક નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. તેમને વાજતે-ગાજતે કોંગ્રેસમાં પરત લવાશે.