સુરત: કુંદન કોઠીયા સહિત ‘આપ’ના કોર્પોરેટરો ભાજપમાં જોડાશે, ગુજરાતમાં આપ પાર્ટીને ઝટકો
- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી
- ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમ
- આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ભાજપમાં જોડાશે
સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય જ બાકી છે. તમામ પાર્ટી મેદાનમાં સંપૂર્ણ તૈયારીઓ સાથે ઉતરી આવી છે ત્યારે ચૂંટણી પહેલા હવે આપ પાર્ટીને ઝટકો લાગ્યો છે. જાણકારી અનુસાર કોર્પોરેટર કુંદન કોઠીયા સહિત સુરતના આમ આદમી પાર્ટીના કેટલાક વધુ કોર્પોરેટર આજે ભાજપમાં જોડાશે. છેલ્લા કેટલાક દિવસથી AAPના મહિલા કોર્પોરેટર સંપર્ક વિહોણા બન્યા હતા.
આમ આદમી પાર્ટીમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે. હજુ સુરત AAP ના 5 કોર્પોરેટરોએ પાર્ટી છોડી ભાજપમાં જોડાયા છે, ત્યારે ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આજે AAPના છેલ્લા કેટલાક દિવસથી સંપર્ણ વિહોણા થયેલા કોર્પોરેટર કેસરિયો કરશે.
જાણવા મળી રહ્યું છે કે, વોર્ડ નંબર. 4નાં કોર્પોરેટર કુંદન કોઠિયા સહિતના કોર્પોરેટર ભાજપમાં જોડાય તેવું જાણવા મળી રહ્યું છે. છેલ્લા 36 કલાથી AAPના કોર્પોરેટર સંપર્ક વિહોણા હતા. ત્યારે તેઓ આજે ગાંધીનગર કમલમ ખાતે AAPના કોર્પોરેટર કેસરિયો કરશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પર આપના કોર્પોરેટર વિશ્વાસ મૂકશે. ગુજરાતના એક ઉચ્ચ પોલીસ અધિકારી, વિમલ પટેલ અને વિપુલ મેંદપરાના સંપર્કમાં હોવાની ચર્ચા ચાલી રહી છે.
સુરતમાં તાજેતરમાં જ સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી પાંચ કોર્પોરેટરો રાજીનામા ધરીને ભાજપમાં જોડાયા હતા. AAPનાં 5 કોર્પોરેટરોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની હાજરીમાં જ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.