અમદાવાદ: શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં પાર્કિંગ સમસ્યા માટે જાહેર પ્લોટ્સ તેમજ ફુટપાથ પર પે એન્ડ પાર્કની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે પાર્કિંગ માટે ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જો કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે કોન્ટ્રાક્ટરો મનફાવે તેવા ચાર્જ વસુલી રહ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા પરચી બનાવવામાં આવે છે. જેમાં કોન્ટ્રાક્ટ દરમિયાન નક્કી કરેલા ચાર્જ લખવામાં આવ્યા છે. 0થી 2 કલાક માટે ટુ વહીલરના 5, થ્રિ વહીલરના 10 અને ફોર વહીલરના 15 રૂ. ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. ઉપરાંત 6 કલાક, 12 કલાક અને 18 કલાક વાહન પાર્ક કરવા માટેના અલગ અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. જો કે વાહન માલિકો પાસે અલગ રીતે ચાર્જ વસુલીને ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં વિવિધ સ્થળો પર આવેલા પાર્કિંગ પ્લોટ પર વાહન પાર્ક કરો તે સાથે જ કોન્ટ્રાક્ટરના માણસ આવી ને પરચી પકડાવી દે છે. જોમાં 0થી 2 કલાક સુધીના વાહન પાર્કના 20 રૂ. વસૂલવામાં આવી રહ્યા છે. જ્યારે પરચીમાં બે કલાક વાહન પાર્કના 15 રૂ.લખેલા હતા. જોકે, પરચી આપે ત્યારે 15 રૂ. ચાર્જ લખ્યું છે તેવું વાહન માલિક વાંચી ન શકે તે માટે ઉપર સહી કરી નાખવામાં આવે છે. જેના કારણે કેટલો ચાર્જ લખ્યો છે અને કેટલો વસુલે છે તેની જાણ થઇ શકતી નથી. આ પ્રકારે શહેરીજનો પાસે વાહન માલિકો પાસેથી પાર્કિંગના નામે લૂંટ કરવામાં આવી રહી છે. મ્યુનિના અધિકારીઓ પણ પાર્કિંગના નિયત કરતા વધુ ચાર્જ વસુલવામાં આવતા હોવાનું સારી રીતે જાણતા હોવા છતાં કોઈ જ પગલાં લેવામાં આવતા નથી.