રશિયાએ યુક્રેનની સીમા ઉપર 1.30 લાખ જવાનો તૈનાત કર્યા
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના વાદળ ઘેરાયેલા છે. યુક્રેનની સીમા ઉપર 1.30 લાખ જેટલા સૈનિકો તૈનાત કર્યાં હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત રશિયાએ ટેંક, જંગી હથિયારો અને મિસાઈલ પણ તૈનાત કરવામાં આવ્યાં છે. રિપોર્ટ અનુસાર રશિયાએ યુક્રેનને ત્રણેય તરફથી ઘેરવામાં આવ્યું છે. દરમિયાન અમેરિકાએ જણાવ્યું હતું કે, 16મી ફેબ્રુઆરીએ યુક્રેન ઉપર હુમલો થઈ શકે છે.
અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ પણ અગાઉ ચેતવણી જારી કરીને કહ્યું હતું કે રશિયાએ હુમલા માટે બુધવારનો દિવસ નક્કી કર્યો છે. ત્યારે ઝેલેન્સકીએ કહ્યું કે જો તમારી પાસે રશિયન હુમલા અંગે 100% નક્કર પુરાવા છે તો તમે અમને આપો.યુક્રેન મુદ્દે રશિયાને ચીનની મૌન સંમતિ અમેરિકાને ખટકી રહી છે. અમેરિકાએ કહ્યું- રશિયાને ચીનનું મૌન સમર્થન ખૂબ જ ચિંતાજનક અને યુરોપમાં સુરક્ષાની સ્થિતિને અસ્થિર કરનારું છે. પેન્ટાગોનના પ્રવક્તા જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે યુએસ ડિફેન્સ સેક્રેટરી લોઈડ ઓસ્ટિન ઈમરજન્સી મીટિંગ માટે યુરોપના પ્રવાસે જવાની યોજના બનાવી રહ્યા છે.જ્હોન કિર્બીએ કહ્યું – ઓસ્ટિન બ્રસેલ્સમાં નાટો હેડક્વાર્ટરમાં મીટિંગ કરશે અને પોલેન્ડની મુલાકાત લેશે. અમે હજુ પણ માનતા નથી કે યુદ્ધ અંગેનો અંતિમ નિર્ણય રશિયા તરફથી લેવામાં આવ્યો છે. દરમિયાન, સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું હતું કે યુ.એસ.ને રશિયા-યુક્રેન સરહદે ડી-એસ્કેલેશનના કોઈ નક્કર સંકેતો દેખાતા નથી.