ભાવનગર પોલીસને જયપુર હાઈવે પર નડ્યો અકસ્માતઃ 4 પોલીસ કર્મચારી સહિત 5ના મોત
અમદાવાદઃ ઘરફોડ ચોરીના કેસમાં ભાવનગર પોલીસની ટીમ આરોપીને લઈને વાહનમાં પરત ફરી રહી હતી. દરમિયાન જયપુર હાઈવે પર ભાવનગર પોલીસના વાહનને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં ચાર પોલીસ કર્મચારી સહિત પાંચના મોત થયાં હોવાનું જાણવા મળે છે. માર્ગ અકસ્માતમાં ચાર પોલીસ કર્મચારી સહિત પાંચ વ્યક્તિઓના મોત થતા પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જયપુર હાઈવે પાસે ભાવનગર પોલીસને અકસ્માત નડ્યો છે. આ રોડ અકસ્માતની ઘટનાના કારણે ગુજરાત પોલીસમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ભાવનગર પોલીસની ટીમ ઘરફોડ ચોરીના મામલે આરોપીને લઈને દિલ્હીથી પરત ગુજરાત આવી રહી હતી ત્યારે જયપુર-દિલ્હી હાઈવે પર ભાબરુ નજીક આ અકસ્માત સર્જાયો હતો. આ કારમાં સવાર 1 આરોપી અને 4 પોલીસકર્મી સહિત 5 લોકોના મોત નિપજ્યા છે. આ મૃતક પોલીસ કર્મીઓ ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. મૃતક પોલીસ કર્મીઓમાં ભીખુભાઈ બુકેરા, શક્તિસિંહ ગોહિલ, મનસુખ બાલધીયા, ઈરફાન આગવાનનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અકસ્માતના બનાવ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે. આ સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટ્વિટના માધ્યમ દ્વારા આ સમગ્ર ઘટના વિષે સંવેદના વ્યક્ત કરી છે.