જીટીયુ દ્વારા ઈનોવેશન સંકુલ દિનની ઊજવણીઃ શ્રેષ્ઠ 35 ઈનોવેટર્સના સ્ટાર્ટઅપને ઓવોર્ડ અપાયા
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિદ્યાર્થીઓની ટેકનીકલ સ્કીલ , સ્ટાર્ટઅપ તથા ઈનોવેશન જેવી પ્રવૃત્તીને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણ મંદિર , નરોડા ખાતે સંકુલ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં ઈનોવેટ ટુ ઈમ્પેક્ટ, આઈ-સ્કેલ, પેડાગોજીકલ ઈનોવેશન અને સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ જેવી 4 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતાં.
જીટીયુ ઈનોવેશન સંકુલ દિવસની ઉજવણીના પ્રસંગે મુખ્ય મહેમાન સ્થાને કુટીર, સહકાર અને મીઠા ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહીને વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝમાં પણ અનેક પ્રકારના ઈનોવેશનની જરૂરિયાત છે. જીટીયુના વિદ્યાર્થીઓ આ પ્રકારના ઈનોવેશનમાં ભાગ લઈને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગવંતુ બનાવશે. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે આ પ્રસંગે જણાવ્યું કે , વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 5 ટ્રીલિયન ઈકોનોમીના લક્ષ્યને હાંસલ કરવા માટે સ્ટાર્ટઅપનો ફાળો વિશેષ રહશે. જીટીયુ હંમેશા સ્ટાર્ટઅપકર્તાને મદદરૂપ થવા માટે કાર્યરત રહશે. અતિથિ વિશેષ સ્થાને એશિયન ગ્રેનીટોના ચેરમેન કમલેશ પટેલ , સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોર્શિપ ડેવલોપમેન્ટના ડિરેક્ટર ડૉ. રામનાથ પ્રસાદ . એમ. એસ. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. વિ. કે . શ્રીવાસ્તવ , કુલસચિવ ડૉ. કે. એન. ખેર તથા જીટીયુ જીઆઈસીના ડિરેક્ટર ડૉ. સંજય ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતાં.
વર્ષ 2011થી જીટીયુ દ્વારા સંકુલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં પ્રખ્યાત નિષ્ણાતોના હસ્તે ઈનોવેશન ક્ષેત્રમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપનાર વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટીને એવોર્ડ આપીને સન્માનવામાં આવે છે. “ઇનોવેટ ટુ ઇમ્પેક્ટ” એવોર્ડ્સની કેટેગરીમાં 9 વિદ્યાર્થીઓના એવોર્ડ આપવામાં આવ્યા હતાં. “આઈ-સ્કેલ” કેટેગરીમાં છેલ્લા બે વર્ષમાં જીટીયુ પાસ આઉટ સ્ટુડન્ટ હોય તેવા 10 વિદ્યાર્થીઓના પ્રોજેક્ટમાં ટીમનું નેતૃત્વ કરવા બદલ એવોર્ડ આપવામાં આવ્યા હતાં. જીટીયુ સંલગ્ન કૉલેજના ફેકલ્ટી દ્વારા રીસર્ચ તથા પ્રોજેક્ટ બાબતે શ્રેષ્ઠ ટીચીંગ સ્કીલ અને મેથડથી વિદ્યાર્થીઓને મદદરૂપ થયા હોય અને જીટીયુના તમામ ફેકલ્ટીના પ્રેરણા સ્ત્રોત બન્યા તેવા ફેકલ્ટીને “પેડાગોજીકલ” કેટેગરીમાં 3 એવોર્ડ આપવામાં આવ્યા હતા.
જ્યારે છેલ્લા 5 વર્ષમાં જીટીયુ પાસ આઉટ સ્ટાર્ટઅપકર્તા વિદ્યાર્થીઓને “અર્લી સ્ટાર્ટઅપ અને ગ્રોથ સ્ટેજ સ્ટાર્ટઅપ” જેવી બે કેટેગરીમાં 13 “સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ” એવોર્ડ આપવામાં આવ્યા હતાં. કુલ મળીને વર્ષ 2022માં 35 ઈનોવેટર્સને જુદી-જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત જીટીયુ જીએસએમએસના ફેકલ્ટીઝ ડૉ. કૌશલ ભટ્ટ અને શ્રી તુષાર પંચાલને ઈનોવેશન એમ્બેસેડર એવોર્ડ , ટોપ અટલ મેન્ટર તરીકે પ્રો. રાજ હકાણી , ફેકલ્ટી રીસર્ચ ક્ષેત્રે રેમડેસીવર ઈન્જેક્શનની ગુણવત્તા ચકાસણીના રીસર્ચ માટે ડૉ. કશ્યપ ઠુમ્મર અને કોરોના મહામારીમાં 3000થી પણ વધુ RT-PCR ટેસ્ટ કરીને સમાજ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર અટલ ઈનોવેશન સેન્ટરના સીઈઓ ડૉ. વૈભવ ભટ્ટને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.