અમદાવાદઃ શઙેરનો સ્થાપના દિન આગામી તા. 26મી ફેબ્રુઆરીના રોજ ઊજવાશે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ પણ અમદાવાદના જન્મદિને સ્કલ્પચર શોનું આયોજન કર્યુ છે. 70 વર્ષમાં એવું પ્રથમ વખત બની રહ્યું છે, જ્યારે કોઈ કન્ટેમ્પરરી આર્ટિસ્ટના મોટા કદનાં સ્કલ્પચરનો શો ગુજરાત યુનિવર્સિટીના ઓપન પરિસરમાં યોજાશે. અમદાવાદના 611મા જન્મદિવસે એટલે કે 26મી ફેબ્રુઆરીએ અમદાવાદના અને દેશભરમાં જાણીતા સ્કલ્પચર આર્ટિસ્ટ રાજેશ સાગરાનો શો ‘લે વિટનેસ’ યોજાશે.
અમદાવાદને હેરિટેજનો દરજ્જો મળ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના જન્મદિને સેલિબ્રેટ કરવાના હેતુથી ધ ઈન્વેન્ટ આર્ટ-રા ગેલેરીના ઉપક્રમે આ આયોજન કરાશે. જેમાં ગુજરાતનું ગૌરવ કહેવાતા આર્ટિસ્ટ પિરાજી સાગરાના પુત્ર એવા રાજેશ સાગરાએ તૈયાર કરેલા 12 જેટલા વિશાળ કદના સ્કલ્પચર જોવા મળશે. આર્ટીસ્ટ રાજેશ સાગરાએ જણાવ્યું હતું કે,અમદાવાદનો રિક્ષાવાળો કોમન આઈડેન્ટિટી છે. મેં ગ્રે માર્બલમાં શહેરની ઓળખ સમાન 4 ટનની રિક્ષાનું સ્કલ્પચર તૈયાર કર્યું છે. તેમજ 12 ફૂટની સ્ટીલ અને વુડમાંથી તૈયાર થયેલી કાતર, 7 ફૂટનો સ્ટીલમાંથી તૈયાર થયેલો બલ્બ શોમાં જોવા મળશે. 36 વર્ષની શિલ્પો સાથેની મારી સફરમાં મેં જે જોયું છે અને અનુભવ્યું છે તેના પરથી કહું તો આર્ટ કોઈ તૈયાર પેકેજ નથી તેની માટે લાગેલા રહેવું પડે છે. જ્યારે તે બને છે ત્યારે જ તેની સાથેની માથાફોડી શરૂ થાય છે. જોકે, યુરોપ અને અન્ય દેશોની મુલાકાત પછી હું એટલું કહીશ કે ત્યાં લોકો આર્ટને પચાવીને બેઠાં છે જ્યારે આપણે હજુ આ દિશામાં ઘણુ કરવાનું છે.સ્કલ્પચર તૈયાર કરતી વખતે ક્યારેક સ્ટીલ સાથે તો ક્યારેક પથ્થર, વુડ કે બ્રોન્ઝ સાથે કામ કરવું પડે છે માટે એક જ જગ્યાએ આ શક્ય નથી. આ શો માટે જે સ્કલ્પચર તૈયાર થયા છે તેમાંના કેટલાકનું કામ ઓઢવ, નારોલના સ્ટૂડિયોમાં થયું છે.