ગુજરાતની 42 જિનો- કપાસિયા તેલ મિલોમાં ટેક્સ ચોરી પકડવા માટે જીએસટીના વ્યાપક દરોડાં
અમદાવાદઃ સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)એ અમદાવાદની બે સહિત રાજ્યની 42 ઓઇલ તેમજ જિનિંગ મિલો સામે તપાસ શરૂ કરી છે. અમદાવાદની મનજીત કોટન તેમજ બિપિન ઓઇલ મિલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સૌથી વધારે મોરબીની 15 જિનિંગ અને ઓઇલ મિલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ વાકાનેરમાં આવેલી ઓઇલ મિલો અને જિનિંગ મિલોમાં તપાસ કરવામાં આવી છે.
રાજ્યભરમાં અમદાવાદ, ધનસુરા, વડોદરા, કપડવંજ, સાવલી, સુરત, બોટાદ, મહુવા, અમરેલી, તળાજા, રાજકોટ, હળવદ, વાંકાનેર અને મોરબીની ઓઇલ મિલો અને જિનિંગ મિલોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જીએસટી અધિકારીઓ દ્વારા ધંધાના સ્થળોએ ઇન્સ્પેકશનની કાર્યવાહી હાથ ધરવામાં આવતા મિલમાલિકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. જીએસટીના કાયદાનું યોગ્ય રીતે પાલન થાય છે કે નહીં તેની ખાતરી કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળે છે.
સૌરાષ્ટ્રમાં જીએસટી વિભાગ દ્વારા કપાસ અને રૂ સાથે સંકળાયેલા જિનો, ટ્રેડરો અને જોબવર્ક કરનારા એકમો પર સર્ચ કરવામાં આવ્યુ હતું. જીએસટી કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ સવારેજ દસ વાગ્યાથી બોગસ બિલિંગ વડે ટેક્સ ચોરી કરાતી હોવાની ખબરોને લીધે તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે મોડે સુધી તપાસ ચાલુ રહેતા કેટલા રકમની ચોરી થઇ છે તે બહાર આવ્યું નથી. સૌથી મોટી કાર્યવાહી મોરબીમાં થઇ છે. ત્યાં 15 જેટલી જિનિંગ મિલો અને તેલ ઉદ્યોગમાં તપાસ ચાલુ છે. વાંકાનેરમાં પાંચ જિનો-તેલમિલોમાં તપાસ થઇ રહી છે. જ્યારે રાજકોટમાં બે સ્થળોએ તપાસ ચાલુ છે. વડોદરા અને અમદાવાદમાં બે બે પેઢીઓમાં તપાસ થઇ છે. બોટાદ, કપડવંજ, ધનસુરા, સાવલી, સુરત વગેરેમાં એક એક પેઢીમાં, અમરેલીમાં બે પેઢીમાં, મહુવા અને તળાજામાં એક પેઢીમાં દરોડા પડયા છે. હળવદમાં પણ બે સ્થળે તપાસ થઇ રહી છે. જામનગર, ગાંધીધામ, ઉના, જામખંભાળિયામાં પણ એક એક પેઢીમાં તપાસ ચાલુ છે.