1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં નકલી પાસપોર્ટથી વિદેશ મોકલાનું કૌભાંડ પકડાયું, ચાર શખસની ધરપકડ
અમદાવાદમાં નકલી પાસપોર્ટથી વિદેશ મોકલાનું કૌભાંડ પકડાયું, ચાર શખસની ધરપકડ

અમદાવાદમાં નકલી પાસપોર્ટથી વિદેશ મોકલાનું કૌભાંડ પકડાયું, ચાર શખસની ધરપકડ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં વિદેશ જવાનો લોકોમાં વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેમાં કેટલાક બની બેઠેલી એજન્ટો દ્વારા વિદેશમાં ગેરકાયદે મોકલવાની લાલચ પણ આપવામાં આવતી હોય છે. અને ઘણા લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે એક મોટો પર્દાફાશ કર્યો છે. બોગસ પાસપોર્ટ બનાવીને લોકોને વિદેશ મોકલી આપતી એક ગેંગનો પોલીસે ઘટસ્ફોટ કર્યો છે. પોલીસ તપાસમાં એવી વિગતો મળી છે.કે, આ ગેંગ પીડિતોને યુએસ અને મેક્સિકો બોર્ડર મોકલતી હતી. ક્રાઈમ બ્રાંચે ચાર એજન્ટોની ધરપકડ કરી છે. આ ચારેય એજન્ટોની હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. આ રીતે તેઓએ કેટલાં નકલી પાસપોર્ટ બનાવ્યા છે અને કેટલાં લોકોને કબૂતબાજીમાં મોકલ્યા છે એની તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વિદેશમાં જઈને ડોલર કમાવવાનો લોકોમાં સૌથી વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યુ હતું કે,  પોલીસ તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, રાજુભાઈ પ્રજાપતિ અને શિલ્પાબેન પટેલ બંને મહેસાણાના રહેવાસી છે. આ બંને લોકો અમેરિકા જવા માગતા હતા. એટલે બંનેએ હરેશ પટેલ નામના એક એજન્ટનો સંપર્ક કર્યો હતો. આ કામમાં તેનો દીકરો હાર્દિક પટેલનો પણ સાથ હોવાનું સામે આવ્યું છે. બંને દ્વારા રાજુભાઈ અને શિલ્પા માટે નામ બદલાવીને પાસપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. રાજુભાઈ પટેલના નામે રાજેન્દ્રભાઈ ભીખાભાઈ પટેલ નામનો પાસપોર્ટ બનાવવામાં આવ્યો હતો. જ્યારે શિલ્પા પટેલને તેમની પત્ની તરીકેનો પાસપોર્ટ બનાવવામાં આવ્યો હતો આ એજન્ટો બંને વ્યક્તિઓને એક ફેમિલી તરીકે અમેરિકા મોકલવાના હતા. વિદેશ મોકલવાના હોવાથી ભારતથી નાઈઝિરીયાનો વીઝા અપાવવાના હતા. નાઈઝિરીયાથી મેક્સિકો અને પછી ત્યાંથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસાડવાની યોજના હતી. આ આખા કાવતરાનો ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચે આ મામલે ચાર એજન્ટોની ધરપકડ પણ કરી છે. જેમાં રાજુ પ્રજાપતિ, હાર્દિક પટેલ, હરેશ પટેલ અને રજત ચાવડા નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, રજત પટેલનો નામનો શખ્સ પાસપોર્ટ વગેરે બનાવવામાં આરોપીઓની મદદ કરતો હતો.

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, પોલીસ તપસામાં હાલ તો આ જ શખ્સોને વિદેશ મોકલવાનો એક જ કિસ્સો સામે આવ્યો છે. પોલીસે હાલ તો રાજુ પ્રજાપતિનો નકલી પાસપોર્ટ કબજે કર્યો છે. નકલી પાસપોર્ટ બનાવવા માટે સરનામુ અને નામ બદલવામાં આવ્યું હતું. બર્થડે પણ તેમાં બદલી નાખવામાં આવી છે. નકલી પાસપોર્ટમાં આધારકાર્ડ નંબર અને ફોટો જ માત્ર ઓરિજનલ છે જ્યારે અન્ય વિગતો ખોટી છે. પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે, એક પરિવારને આ રીતે વિદેશ મોકલવા માટે એજન્ટો સવા કરોડથી દોઢ કરોડમાં ડીલ ફાઈનલ કરતા હોય છે. આરોપીઓ વિદેશમાં કોઈના સંપર્કમાં હતા કે નહીં એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો તપાસમાં એવું સામે આવ્યું છે કે, દિલ્હીનો કોઈ શખ્સ આ એજન્ટોના સંપર્કમાં હતો અને તે મદદ કરતો હતો. ઝડપાયેલા આરોપીઓમાં મહેસાણા અને અમદાવાદના છે. આરોપીઓને કેટલાં રૂપિયા આપવામાં આવ્યા એ પણ તપાસ કરવામાં આવશે. જો કે, આ મામલે બીજા કેટલાં લોકો સંડોવાયેલા છે એ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ સિવાય કેટલાં લોકોને આ રીતે નકલી પાસપોર્ટ બનાવીને વિદેશ મોકલવામાં આવ્યા, તેમાંથી કેટલાં લોકો સુરક્ષિત રીતે પહોંચ્યા કે નહીં, વગેરે મુદ્દે પોલીસ તપાસ હાથ ધરશે. (file photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code