- ભારતમાં આ મંદિરમાં થયું 84 કરોડનું દાન
- તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ-ટીટીડી-ને મળ્યું 84 કરોડનું દાન
- એક જ દિવસમાં થયું આટલું દાન
કોચી: ભારતમાં કેટલાક મંદિર એવા છે કે જ્યાં કરોડો રૂપિયાનું દાન કરવામાં આવે છે. ખાસ કરીને આ મંદિરો સાઉથ ઈન્ડિયા એટલે કે દક્ષિણ ભારતમાં આવેલા છે. હાલમાં જ એવું નોંધવામાં આવ્યું છે કે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ-ટીટીડી-ને એક જ દિવસમાં ઇતિહાસમાં સૌથી મોટી રકમ 84 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.
દક્ષિણ ભારતના આ મંદિરામાં દેશ વિદેશથી લોકો ફરવા આવે છે અને મોટી સંખ્યામાં લોકો દાન પણ કરતા હોય છે. ધાર્મિક આસ્થાઓને ધ્યાનમાં રાખીને લોકો દ્વારા રૂપિયા સિવાય સોનું અને અન્ય વસ્તુઓનું પણ દાન કરવામાં આવે છે.
શ્રી વેકન્ટેશ્વરા પદ્મનાભમ ટ્રસ્ટ ડોનેશન સ્કીમનો બુધવારે પ્રથમ દિવસ હતો ત્યારે 70 દાતાઓએ 84 કરોડ રૂપિયાની રકમ દાનમાં આપી હતી. આ દરેક દાતાઓને ટીટીડી તરફથી વિશેષાધિકાર તરીકે એક ઉદયસ્થમાન સેવા ટિકિટ નિ: શુલ્ક આપવામાં આવી હતી. ટીટીડીએ અંદાજે 230 કરોડ રૂપિયાના ખર્ચે શ્રી પદ્માવતિ પેડિયાટ્રિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ બાંધવા માટે એક નવી યોજના શરૂ કરી છે.
ટીટીડીને આશા છે કે આ યોજના દ્વારા તે 550 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરી લેશે. ટીટીડીના ચેરમેન વાય. વી.સુબ્બારેડ્ડીએ જણાવ્યું હતું કે આ પેડિયાટ્રિક હોસ્પિટલમાંં ગરીબીની રેખા નીચે જીવતાં પરિવારોના બાળકોના કાર્ડિયેક ઓપરેશન્સ મફત કરી આપવામાં આવે છે. 28 દાતાઓ અને કંપનીઓએ દરેકે દોઢ કરોડ રૂપિયાનું દાન કર્યું તેમને શુક્રવારે 28 ઉદયસ્થમાન સેવા ટિકિટ ફાળવવામાં આવી હતી. જ્યારે 42 દાતાઓએ દરેકે એક કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. તેમને 42 ઉદયસ્થમાન સેવા ટિકિટ ફાળવવામાં આવી હતી.