ગાંધીનગરઃ રાજ્યમાં નવી મેડિકલ યુનિવર્સિટી સ્થાપવાનો સરકારે નિર્ણય લીધો છે. જેમાં આરોગ્ય વિભાગ હસ્તકની મેડીકલ કોલેજોને એકસૂત્રતા આપવા, એક છત નીચે તેનો વહીવટ લાવવા તથા ગુજરાતને મેડીકલ ટુરીઝમનું હબ બનાવવાની દિશામાં લઈ જવા બે નવા કાયદા બનાવવાનું નકકી કર્યું છે. આ માટે 2જીથી 31મી માર્ચ સુધીના વિધાનસભા બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર આ અંગેના બે વિધેયક પસાર કરાશે.
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજયમાં અત્યારે 17 સરકારી મેડીકલ કોલેજો અને તેમાં કુલ 3650 બેઠક ઉપલબ્ધ છે. રાજય સરકારે એક મેડીકલ યુનિવર્સિટીની સ્થાપના કરવાનું નકકી કર્યું છે. જેમાં રાજયના અલગ-અલગ જિલ્લા-તાલુકામાં આવેલી મેડીકલ કોલેજોમાં ભણાવતાં અભ્યાસક્રમ સહિતની તમામ વહીવટી બાબતોમાં પણ એકસૂત્રતા જળવાય તેવા પ્રયાસના ભાગરૂપે સરકાર એક સ્વતંત્ર મેડીકલ યુનિવર્સિટીની સ્થાપના કરશે. ત્યારબાદ રાજયમાં ગમે ત્યારે ગમે તેટલી મેડીકલ કોલેજો સ્થપાશે તો તેને આ યુનિવર્સિટી સાથે સંલગ્ન થવું પડશે. જેના કારણે રાજયમાં મેડીકલ શિક્ષણના વ્યાપમાં ઘણી ઝડપથી વધારો કરી શકાશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, રાજયમાં વિદેશથી નોન રેસિડન્ટ ઈન્ડીયન કે નોન રેસિડન્ટ ગુજરાતી કોઈપણ રોગની સારવાર માટે ગુજરાત આવે તો ગુજરાત થકી દેશને મળતાં વિદેશી હુંડીયામણમાં પણ વધારો કરી શકાય તેમ છે. આ હેતુ હેઠળ રાજય સરકાર રાજયમાં મેડીકલ ટુરીઝમ પ્રમોશન સોસાયટીની સ્થાપના કરવા ઈચ્છે છે અને તે માટે એક સ્વતંત્ર કાયદો બનાવવા માંગે છે એટલે વિધાનસભાના આગામી સત્ર દરમિયાન આ બાબતનું એક વિધેયક રજૂ કરીને પસાર કરાવવા પ્રયત્ન કરાશે. હાલની સ્થિતિએ પણ વિદેશોમાં સારવાર કે વિવિધ ઓપરેશન ખૂબ જ મોંઘા હોવાથી એનઆરઆઈ કે એનઆરજી ભારતમાં કે ગુજરાતમાં આવીને સારવાર કરાવવાનું વધુ પસંદ કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે મેડીકલ ટુરીઝમ પ્રમોશન સોસાયટીની સ્થાપના કરીને તેની થકી મેડીકલ ટુરીઝમને પ્રમોટ કરવાનું નકકી કર્યું છે. પરિણામે આ સોસાયટી દ્વારા વિવિધ દેશોમાં તેનો પ્રચાર-પ્રસાર કરાવાશે અને તેના દ્વારા વિદેશથી દર્દીઓને ગુજરાત સારવાર માટે આપવા પ્રેરિત કરાશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીઓ હેઠળ અત્યારે સરકારી,ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર મળીને મેડિકલ-ડેન્ટલની 43 કોલેજની 6700 બેઠક અને પેરામેડિકલની 664 કોલેજની 26415 બેઠક મળીને કુલ 33,115 બેઠકોનું નિયમન થાય છે. વિદ્યાર્થી જે યુનિવર્સિટી હેઠળની કોલેજ હોય તે યુનિવર્સિટીની જેમ કે,ગુજરાત-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન હોય તે કોલેજના વિદ્યાર્થીને તે યુનિવર્સિટીની ડીગ્રી મળે છે. મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના પછી વિદ્યાર્થીઓને મેડિકલ યુનિવર્સિટીની ડિગ્રી મળશે.