કાલે સોમવારથી શાળાઓ શરૂ થાય તે પહેલા જ યુનિફોર્મ, સ્ટેશનરી ખરીદવા આજે વાલીઓની ભીડ
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ સરકારે ઓનલાઈન શિક્ષણ બંધ કરીને શાળાઓમાં ફરજિયાત ઓફલાઈન શિક્ષણનો નિર્ણય લીધો છે. આવતી કાલ સોમવારથી તમામ શાળાઓમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થઈ જશે. શાળાઓ શરૂ થતા પહેલા જ વાલીઓ આજે રવિવારે પણ યુનિફોર્મ, સ્ટેશનરી સહિતની વસ્તુઓ ખરીદતા જોવા મળ્યા હતા. આજે રવિવાર હોવા છતાં યુનિફોર્મ અને સ્ટેસનરીની દુકાનો પણ ખૂલ્લી જોવા મળી હતી.
ગુજરાતમાં સોમવારથી શાળાઓમાં સંપૂર્ણ ઓફ્લાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. ત્યારે અલગ અલગ દુકાનોમાં યુનિફોર્મ ખરીદવા માટેની દોડધામ શરૂ થઈ ગઈ છે. તો ઘણી શાળાઓ દ્વારા ફરજિયાત યુનિફોર્મનો આદેશ હોવાથી બે મહિના માટે યૂનિફોર્મ ખરીદવાની જરૂર પડી છે. વાલીઓનું માનવું છે કે બે મહિના માટે શાળાઓ દ્વારા યુનિફોર્મમાંથી છૂટછાટ આપવી જોઈએ. બીજીબાજુ કાપડના વેપારીઓ પણ જણાવી રહ્યા છે તેમની ખરીદીમાં મોટો ફેરફાર થયો નથી. યુનિફોર્મ જે લોકો બે જોડી લઈ જતા હતા એ હવે એક જ જોડી લઈ જાય છે કેમ કે બે મહિના બાદ બાળકો માટે ફરી નવા યુનિફોર્મ લેવા પડશે.
રાજયમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકાર દ્વારા સોમવારથી શાળાઓમાં સંપૂર્ણ ઓફ્લાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.નોંધનીય છેકે સોમવારથી રાજયભરમાં શાળા-કોલેજો રાબેતા મુજબ શરૂ થઇ રહી છે. આખરે બે વર્ષ બાદ શાળા-કોલેજો શરૂ થતા વાલીઓ ખરીદી કરવા ઉમટી રહ્યા છે. બે વર્ષ બાદ વિદ્યાર્થીઓ પણ શાળાએ જવા આતુર બન્યા છે. ત્યારે હવે કોરોનાની મહામારીથી આંશિક રાહત મળતા ફરી શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ થશે. જેને લઇને બાળકોના અભ્યાસ પર જે માઠી અસર પડી રહી હતી તે હવે ઓછી થઇ જશે.