ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ કોંગ્રેસના અધ્યક્ષતા સોનિયા ગાંધીએ પણ પ્રચારમાં ઝંપલાવ્યું
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અત્યાર સુધી ત્રણ તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. કુલ આઠ તબક્કામાં મતદાન યોજાવાનું છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની ચૂંટણી પ્રચારની જવાબદારી પ્રિયંકા ગાંધી સંભાળી રહ્યાં છે. તેમજ પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં વિશાળ રેલીઓ અને સભાઓ ગજવી રહ્યાં છે. હવે ચૂંટણીપ્રચારમાં કોંગ્રેસના અધ્યક્ષતા સોનિયા ગાંધીએ પણ ઝુકાવ્યું છે.
કોંગ્રેસના અધ્યક્ષ સોનિય ગાંધીએ રાયબરેલીના મતદારો માટે મેસેજ જાહેર કર્યો છે. તેમણે કહ્યું છે કે, દેશમાં બેરોજગારી ચરમ ઉપર છે મોંઘવારીને જીવન મુશ્કેલ બન્યું છે. પીએમ મોદી અને સીએમ યોગીએ ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કર્યાં હતા પરંતુ દાવાઓ પોકળ સાબિત થયાં છે. આજે ખેડૂતો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ દેશમાં યુવાનો બેરોજગારીથી પરેશાન છે. સરકાર લોકડાઉનમાં લોકોનું ધ્યાન રાખવામાં નિષ્ફળ રહી છે. કોરોના કાળમાં લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યાં છે પરંતુ સરકારને આપની કોઈ ચિંતા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના ભાજપના સિનિયર નેતાઓ ઉત્તરપ્રદેશમાં જનસભાઓને સંબોધી રહ્યાં છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પણ ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત છે. અખિલેશ યાદવને જીતાડવા માટે સમાજવાદી પાર્ટીના સિનિયર નેતા મુલાયમસિંહ યાદવે પણ મતદારોને અપીલ કરી હતી. દેશની જનતાની નજર હાલ ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી ઉપર મંડાયેલી છે. તા. 10મી માર્ચના રોજ મતગણતરી હાથ ધરાશે.