અમદાવાદમાં રખડતાં ઢોર મુદ્દે સરકાર અને મ્યુનિ.કોર્પોને હાઇકોર્ટની નોટિસ
અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરને મામલે અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટે ટકોર કર્યા બાદ હજુ પણ રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. ત્યારે રખડતા ઢોર મામલે હાઇકોર્ટમાં વધુ એક જાહેરહિતની અરજી કરાઇ છે. તેમાં એવી રજુઆત કરાઇ છે કે રસ્તા પર ગમે ત્યાં રખડતા ઢોરને છોડી દેવામાં આવે છે જેના લીધે ગાયો- ભેંસો પ્લાસ્ટિક સહિતનો ઝેરી કચરો ખાય છે તેનાથી ઢોરની સાથે તેમનું દૂધ પીતા માણસોના જીવને પણ જોખમ ઊભુ થાય છે. પશુપાલકો ઢોરના ચારા માટેની કે રહેવા માટેની વ્યવસ્થા કરી શકતા નથી અને જાહેર જગ્યા પર ચરવા માટે છોડી દેવામાં આવે છે તેનાથી અકસ્માતો પણ થતા હોય છે. આ અંગે સરકારે એવી રજૂઆત કરી હતી કે, સરકાર રખડતા ઢોર માટે કાયદામાં સુધારા કરવા જઇ રહી છે. હાઈકોર્ટે મ્યુનિ. કોર્પોરેશન અને સરકારને નોટિસ પાઠવી છે.
અમદાવાદ શહેરમાં રખડતા ઢોરને રોકવા માટે હાઇકોર્ટમાં કરાયેલી જાહેરહિતની અરજીમાં એવી રજુઆત કરાઇ હતી કે, ઢોરોને સાચવવા માટે યોગ્ય પાંજરાપોળની વ્યવસ્થા કરવી જોઇએ. જેથી કરીને તેને ચરવા માટે રસ્તા પર આવવું પડે નહી. પશુપાલકો પણ પોતાના ઢોરની સારસંભાળ રાખી શકતા ન હોવાથી રસ્તે છોડી દે છે અને રસ્તામાં અકસ્માતના બનાવો બને છે. અરજદાર વકીલે એવી પણ રજુઆત કરી હતી કે રખડતા ઢોરનો હું પોતે પણ ભોગ બન્યો છુ. ગાય અચાનક વચ્ચે આવી જતા તેમને અકસ્માત નડયો હતો. સરકાર તરફે એવી દલીલ કરાઇ હતી કે, અમે આ મામલે કાયદામાં સુધારો કરવા જઇ રહ્યા છે. સરકાર સામે આ મામલે હાઇકોર્ટમાં કન્ટેમ્પટ અરજી કરાઇ છે તેની સાથે જાહેરહિતની અરજીની સુનાવણી યોજાશે.