મધ્યપ્રદેશઃ પન્નાની ધરતીમાં ફરી એકવાર 26.11 કેરેટનો કિંમતી હિરો મળ્યો
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં કિંમતી હીરા માટે પ્રખ્યાત પન્નાની ભૂમિમાંથી ફરી એકવાર કિંમતી હીરો મળ્યો છે. કિશોરગંજ પન્ના નિવાસી એક મધ્યમ વર્ગના વેપારી સુશીલ શુક્લાને 26.11 કેરેટનો કિંમતી હીરો મળી આવ્યો છે. જે હીરાની ઓફિસમાં જમા કરાવવામાં આવ્યો છે. આગામી 24 ફેબ્રુઆરીએ યોજાનારી હીરાની હરાજીમાં તેને મૂકવામાં આવશે. પન્નાની હીરાની ખાણોમાંથી મળેલો આ ચોથો સૌથી મોટો હીરો હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ, સુશીલ લગભગ 20 વર્ષથી હીરાની ખાણ ખોદી રહ્યો છે. તેણે તેના અન્ય પાંચ સહયોગીઓ સાથે મળીને કૃષ્ણકલ્યાણપુરમાં એક ખાણ શરૂ કરી હતી, જેમાં તેમને 26.11 કેરેટનો કિંમતી હીરો મળ્યો હતો, જેની અંદાજિત કિંમત એક કરોડથી વધુ સ્થાનિક હીરાના જાણકારો લગાવી રહ્યા છે. 20 વર્ષના લાંબા અંતરાલ પછી આ અમૂલ્ય રત્ન મળી આવતા પાંચ સાથીઓમાં ફેલાઈ હતી. તેમણે જિલ્લા મથકે આવેલી હીરાની ઓફિસમાં પહોંચીને હીરો જમા કરાવ્યો હતો.
ડાયમંડ ઓફિસર રવિ કુમાર પટેલે જણાવ્યું હતું કે, કે પન્નાની હીરાની ખાણોમાંથી મળેલો આ ચોથો સૌથી મોટો હીરો છે. આ પહેલા 1961માં રસૂલ મોહમ્મદને અત્યાર સુધીનો સૌથી મોટો હીરો 44.33 કેરેટ મળ્યો હતો. આ હીરાને આગામી 2 દિવસ પછી યોજાનારી હરાજીમાં મૂકવામાં આવશે. આ દુર્લભ હીરાને 24 ફેબ્રુઆરીએ જિલ્લા મથકે યોજાનારી હીરાની હરાજીમાં રાખવામાં આવશે. હીરાની હરાજી થયા પછી 12 ટકા રોયલ્ટી અને 1% TDS કાપવામાં આવશે અને બાકીની રકમ હીરા ધારકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.