અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય વિતરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં જણાવ્યું કે ખેડૂતો સરકારની પ્રાથમિકતા-પ્રાયોરિટી હંમેશા હતા અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે જ. ખેડૂતોની હરેક સમસ્યાના સમાધાનમાં સરકાર તેમની પડખે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાનોના હિતની ચિંતા કરી છે અને ખેડૂત કલ્યાણ યોજનાઓના સફળ અમલથી જગતના તાતને આર્થિક સમૃદ્ધિની દિશા બતાવી છે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા 15 કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે શરૂ થયેલી સ્માર્ટ ફોન સહાય યોજના અન્વયે પ્રતિકરૂપે 33 કૃષિકારોને 1.84 લાખની સહાય ગાંધીનગરમાં અર્પણ કરી હતી. રાજ્યભરમાં ૭૦ જેટલા સ્થળોએથી સાડા ત્રણ હજારથી વધુ કિસાનશક્તિ આ કાર્યક્રમમાં સહભાગી થઇ હતી. આ યોજનાના પ્રારંભે રાજ્યમાં 5911 ખેડૂતોને 3.37 કરોડ રૂપિયાની સહાય રકમ ચુકવવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ આ ધરતીપુત્રોને પ્રેરણા આપતાં જણાવ્યું કે વડાપ્રધાનએ ડિઝીટલ ક્રાંતિનો જે સંકલ્પ આપણને આપ્યો છે. તેમાં ગુજરાતનો ખેડૂત કયાંય પાછો ન પડે અને 21મી સદીમાં આ ડિઝીટલ ક્રાંતિની સદીમાં સ્માર્ટ ફોનના વ્યાપક ઉપયોગથી કિસાન પણ સ્માર્ટ-સજ્જ બને તેવી આપણી નેમ છે. આજના યુગમાં શિક્ષણ, માર્કેટીંગ, ફોટોગ્રાફી, જ્ઞાન-વિજ્ઞાન માટે મોબાઇલ ફોનનો ઉપયોગ વધ્યો છે ત્યારે ખેડૂતો પણ ખેતીમાં સ્માર્ટ ફોન અપનાવે તે જરૂરી છે.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ઓનલાઇન અને ડિઝીટલ ટેક્નોલોજીના વધતા વ્યાપની સરાહના કરતાં કહ્યું કે, રાજ્યના કૃષિ વિભાગે શરૂ કરેલા આઇ-ખેડૂત પોર્ટલ પર એક જ વર્ષમાં ઓનલાઇન એપ્લીકેશનની સંખ્યા 27.20 લાખે પહોચી છે તે જ ધરતીપુત્રોની જાગૃતિનું પ્રમાણ છે.