1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા 28 માર્ચથી લેવાશે
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા 28 માર્ચથી લેવાશે

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા 28 માર્ચથી લેવાશે

0
Social Share

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે તમામ શાળા-કોલેજોમાં શિક્ષણકાર્ય શરૂ કરી દીધુ છે. સાથે જ હવે માર્ચ-એપ્રિલમાં પરીક્ષા લેવાની શાળા-કોલેજોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાઓ 28મી માર્ચથી 12મી એપ્રિલ સુધી યોજવાનો નિર્ણય જાહેર કર્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો  છે. તે મુજબ આ વર્ષે 28 માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. કોરોનાની પરિસ્થિતિના કારણે ગત વર્ષે બોર્ડમાં માસ પ્રમોશન અપાયું હતું, જેથી પરીક્ષા યોજાઈ નહોતી, એવામાં બે વર્ષ બાદ આ વખતે બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. આ વખતે 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ધોરણ 10માં અદાજીત 9.70 લાખની આસપાસ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવા માટે ફોર્મ ભર્યા છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ જેટલા ફોર્મ ભરાયા છે. રાજ્યમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવતા સરકારે તત્કાલિન સમયે કેટલાક નિયંત્રણો મુક્યા હતા. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 તથા 12 બોર્ડ અને ધો. 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે હવે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે. સાથે જ ઉનાળું વેકેશન પણ પાછું ખસેડવામાં આવ્યું છે.

શૈક્ષણિક વર્ષ-2021-22માં કોવિડ-19 ની પરિસ્થિતિમાં સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ તા.15/07/2021થી ધોરણ-12 માં તેમજ તા.26/07/2021 થી ધોરણ-9 થી 11 માં શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિકકાર્ય શરૂ કરવામાં આવેલું હતું. જેથી અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે તે માટે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરીને આ પરીક્ષાઓ બે અઠવાડિયા જેટલી પાછળ લઇ જવાનો નિર્ણય કરાયો હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code