કચ્છમાં ઓવરલોડ ટ્રકો સામે RTOની કાર્યવાહીથી ગભરાઈને ટ્રક ચાલકોએ ગામડાંનો રસ્તો શોધી લીધો!
ભૂજઃ કચ્છમાં બે મોટા બંદરો તેમજ અનેક ઉદ્યોગો અને મીઠાના અગરો આવેલા હોવાથી ટ્રક-ટ્રેલરોમાં માલ એવરલોડ ભરવામાં આવતો હોવાની ફરિયાદો ઊઠી છે. આરટીઓ દ્વારા ઓવરલોડ ટ્રક-ટ્રેલરો સામે છેલ્લા બે દિવસથી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એટલે ઓવરલોડ ટ્રક ઓપરેટરોએ પણ આરટીઓ હેરાન ન કરે તેવો રસ્તો શોધી લીધો છે. ખાવડાથી લોડિંગ થયેલી મીઠાની ઓવરલોડ ટ્રકોના માધાપર પાસે પૈડા થંભી ગયા હતા. માધાપરથી છેક ભુજોડી અને શેખપીર સુધી વાહનો પેટ્રોલ પંપ, પાર્કિંગ અને હોટેલ પર બ્રેક કરી દેવાઇ હતી. આર.ટી.ઓ.ની શેખપીર ચેકપોઇન્ટ પર દંડનો ભોગ બનવા કરતા બુધવારે મોડી રાત્રે 12 વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી તમામ મીઠાની ટ્રકો ચોર રસ્તેથી પસાર થઇ ગઇ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના શેખપીર આર.ટી.ઓ. ચેકપોઇન્ટ પર બે ટીમોને તૈનાત કરાઇ હતી. ચેકિંગને કારણે માધાપર હાઇવેથી શેખપીર સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા જે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. આખો દિવસ ગાડીઓ રોડ પર ઉભી રહી હોવાથી ભારે ટ્રાફિક પણ થયો હતો. શેખપીર ચેકપોઇન્ટ પર આર.ટી.ઓ.ની ટીમ હટે તો વાહનો નિકળવાની ફિરાકમાં ડ્રાઇવરો હતા પણ ચેકપોઇન્ટ રેઢી બની ન હતી. કલાકો સુધી ટ્રાન્સપોર્ટરોએ રાહ જોયા બાદ છેલ્લે ચોર રસ્તેથી પસાર થવાનું નક્કી કર્યું હતું. ભુજોડી બ્રીજ સુધી પાર્કિંગ થયેલી તમામ ઓવરલોડ ટ્રકો ભુજોડી ગામમાંથી વંદેમાતરમ મેમોરીયલ રોડથી લેર-હનુમાન મંદિર રોડ પર પહોંચી ત્યાંથી કુકમા પહોંચી હતી.આર.ટી.ઓ.ની ચેકપોસ્ટનો પ્રશ્ન હલ થઇ ગયો હતો અને ચોર રસ્તેથી ટ્રકો પસાર થઇ ગઇ હતી
આર.ટી.ઓ.એ જણાવ્યું હતું કે, ચેકપોઇન્ટ પર બે ટુકડી તૈનાત જ છે. શેખપીર પાસે ઉભી રહેલી ગાડીઓ ત્યાંથી હટી પણ નથી, જેવી ગાડીઓ રોડ પર ચડશે તેમને પકડી લેવાશે. માધાપર હાઇવેથી ભુજોડી બ્રીજ સુધી મીઠાની ગાડીઓના થપ્પા લાગ્યા હતા તે ગાડીઓ કયાં ગુમ થઇ ગઇ તે અંગે સવાલ પૂછતા તેમણે અજાણતા દર્શાવી હતી. જોકે ભુજોડી ગામના મુખ્ય માર્ગ પરથી ઓવરલોડ ટ્રકો પસાર થઇ હોવા અંગેનો સી.સી.ટી.વી. ફૂટેજ ગામના એક જાગૃત નાગરિક તરફથી અપાયો છે. પેનડ્રાઇવમાં અપાયેલા વિડીયોને જોઇ શેખપીર ચેકપોઇન્ટ પર તૈનાત કરાયેલા જવાબદાર અધિકારીઓ સામે તપાસનો આદેશ કર્યો છે. નોંધનીય છે કે, 100 જેટલી ગાડીઓ ચેકપોઇન્ટ ક્રોસ કરવાને બદલે ચોર રસ્તેથી પસાર થઇ ગઇ હતી.
સૂત્રોના વધુમાં જણાવ્યું હતું કે, ખાવડાથી લોડિંગ થયેલી મીઠાની ગાડીઓના માધાપર હાઇવેથી શેખપીર સુધી થપ્પા લાગ્યા હતા. સવારે શેખપીર દરગાહ પાસે માત્ર આઠથી દસ ગાડીઓ જ દેખાઇ હતી. માધાપર હાઇવેથી ભુજોડી બ્રીજ સુધી રોડ સાફ જોવા મળ્યો હતો. આમ, રાત્રે શેખપીર ચેકપોઇન્ટ પર સેટિંગ કરી ઇન્સ્પેકટરોએ ગાડીઓ કઢાવી હોવાની વાત માર્કેટમાં ચર્ચાઇ હતી. ખાવડાથી ગેરકાયદેસર રીતે લોડિંગ થયેલી મીઠાની ટ્રકો પાસે કાંટા પાવતી ન હતી. ખાવડાની કંપનીને બ્રોમીનની મંજૂરી છે પણ મીઠુ લોડિંગ કરાવ્યો હોવાથી આર.ટી.ઓ.ની ચેકિંગમાં વધારો કરાયો હતો. આર.ટી.ઓ.ની ટુકડી ઉભી રખાવે તો કાંટા પાવતી અને કાગળોની માંગણી કરે છે. જો કે, પરીવહન થયેલા માલ અંગેના આધાર પુરાવા જ ન હોવાથી ફસાઇ જવાનો વારો આવે છે. આમ આર.ટી.ઓ.ની ચેકપોઇન્ટને બાયપાસ કરવા માટે ચોર રસ્તો શોધી ત્યાંથી પસાર થઇ હતી. પાંચથી છ કલાકમાં અંદાજીત 100 જેટલી ટ્રકો પસાર થઇ હતી.