- માત્ર ભોપાલ જ તળાવોનું શહેર નથી
- હિમાચલની મંડીમાં પણ તળાવોની માણી શકો છો મજા
- મજા માણવા માટે ફેબ્રુઆરીથી માર્ચની મોસમ બેસ્ટ
મધ્યપ્રદેશના ભોપાલને તળાવોનું શહેર કહેવામાં આવે છે, પરંતુ તમે હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં પણ સ્વચ્છ તળાવોની મજા માણી શકો છો.આ સરોવરોનો આનંદ માણવા માટે ફેબ્રુઆરીથી માર્ચની મોસમ બેસ્ટ છે.
રિવાલસર તળાવ મંડી શહેરથી લગભગ 23 કિમી દૂર છે.હિમાલયની તળેટીમાં 1360 મીટરની ઊંચાઈએ આવેલા આ તળાવનો આકાર ચોરસ છે. આ તળાવ વિશે એવું કહેવાય છે કે,તે રાખમાંથી બનેલું છે. તે હિન્દુઓ, બૌદ્ધો અને શીખો માટે એક સામાન્ય તીર્થસ્થાન પણ છે. તળાવની સાથે જ એક પ્રાણી સંગ્રહાલય પણ છે, જે પ્રવાસીઓને આકર્ષે છે.
કમરૂનાગ તળાવ મંડીથી 68 કિલોમીટર દૂર છે.આ તળાવ દેવ કમરૂનાગને સમર્પિત છે.અહીં લોકો મન્નત માંગીને જાય છે અને વ્રત પુરી થયા પછી ભગવાન કમરૂનાગના દર્શન કરે છે, પછી તેમાં સોનું, ચાંદી, સિક્કા અને નોટો નાંખે છે.આ સરોવરનો આનંદ માણવા માટે તમારે 6 કિલોમીટર પગપાળા ચડવું પડે છે.
રિવાલસરથી કુંતભયો તળાવ લગભગ 6 કિલોમીટર દૂર છે.કહેવાય છે કે,એક વખત અર્જુને માતા કુંતીની તરસ છીપાવવા માટે બાણ વડે પાણીનો પ્રવાહ છોડ્યો હતો.બાદમાં એ પ્રવાહે તળાવનું રૂપ ધારણ કર્યું. આ તળાવના પાણીનો રંગ વાદળી-લીલો જોવા મળે છે જે લોકોને તેની તરફ આકર્ષિત કરે છે.તળાવથી લગભગ એક કિલોમીટર દૂર, રસ્તાની બાજુમાં એક નાની ટેકરી પર ગુફાઓ છે, જે બૌદ્ધ સાધુઓ માટે સાધના કરવા માટેનું પવિત્ર સ્થળ છે.
મંડી શહેરથી પરાશર તળાવ 49 કિલોમીટરના અંતરે છે.એવું માનવામાં આવે છે કે,તેની ઉત્પત્તિ પરાશર ઋષિ દ્વારા થઈ હતી.તેણે પોતાનો ગુર્જ જમીન પર માર્યો, ગુર્જ જમીનની અંદર પહોંચતા જ પાણીનો પ્રવાહ બહાર આવ્યો અને તેણે તળાવનું રૂપ ધારણ કર્યું.તળાવની સાથે અહીં પરાશર ઋષિનું મંદિર પણ બનેલું છે.સાથે જ તમે અહીંની ખીણોની મજા પણ માણી શકો છો.
સુંદરનગર તળાવને કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યું છે, પરંતુ તે એટલું સુંદર છે કે,તમે અહીંનો નજારો જોઈને મંત્રમુગ્ધ થઈ જશો.તે મંડીથી 25 કિમીના અંતરે ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે-21 સાથે સુંદરનગરમાં આવેલું છે.આ તળાવમાંથી 990 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે.