નવી દિલ્હીઃ યુક્રેનની સરહદથી રોમાનિયાના બુખારેસ્ટ પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને એર ઈન્ડિયાનું એક વિમાને બારત માટે ઉડાન ભરી છે. આ ફ્લાઈટ રાતના 8 કલાકે ભારત પહોંચે તેવી શકયતા છે. ફ્લાઈટને મુંબઈ એરપોર્ટ ઉપર લેન્ડીંગ કરવામાં આવે તેવી શકયતા છે. ફ્લાઈટમાં 240 જેટલા ભારતીય હોવાનું જાણવા મળે છે. યુક્રેનના યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ પ્લેનમાં સવાર થયા બાદ તેમનામાં ખુશી ફેલાઈ હતી. વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કાઢવાના પ્રયાસોની વિગતો આપી છે. તેમણે કહ્યું કે 4,000 થી વધુ લોકો પરત ફર્યા છે, પરંતુ કેટલાક લોકો હજુ પણ ત્યાં ફસાયેલા છે. ભારત તેના નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને અમે લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, યુક્રેનની એરસ્પેસ બંધ છે તેથી અમે જમીની માર્ગોનો ઉપયોગ કરી રહ્યા છીએ.
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ રોમાનિયાના બુખારેસ્ટ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. રશિયા દ્વારા યુક્રેન પર સતત હુમલાઓ વચ્ચે ભારત સરકારે જાહેરાત કરી હતી કે તે તેના નાગરિકોને બુખારેસ્ટ મારફતે બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. રશિયા દ્વારા યુક્રેન પર સતત હુમલાઓ વચ્ચે ભારતે પોતાના નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસો તેજ કર્યા છે. એર ઈન્ડિયાનું બચાવ વિમાન શનિવારે સવારે બુકારેસ્ટ, રોમાનિયા પહોંચ્યું હતું.
દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને દેશમાં લાવવા સરકારની પ્રાથમિકતા ગણાવી છે. તેમણે કહ્યું, “ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા લોકોને પોતાના ખર્ચે લાવશે. ઘણા લોકો ત્યાંથી આવી ચૂક્યા છે. અમારા વિદેશ મંત્રી એસ જયશંકરે યુક્રેનના વિદેશ મંત્રી સાથે વાત કરી છે. તેમને સુરક્ષિત રીતે અહીં લાવવાની વ્યવસ્થા ચાલી રહી છે. “અમે ઈચ્છીએ છીએ કે પરિસ્થિતિ સામાન્ય થાય.”
યુક્રેનના કિવમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે બીજી એડવાઈઝરી જારી કરી છે. જેમાં યુક્રેનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલા ભારતીય નાગરિકોને ભારત સરકારના અધિકારીઓ સાથે પૂર્વ સંકલન વિના કોઈપણ સરહદી ચોકી પર ન જવા માટે કહેવામાં આવ્યું છે.
(PHOTO-FILE)