યુક્રેનમાં યુદ્ધ દરમિયાન ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ખાર્કિવમાં રશિયન સેનાના ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. તેમણે કહ્યું કે તે મૃતક વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાર્કિવમાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીનું નામ નવીન હોવાનું જાણવા મળે છે. 21 વર્ષીય વિદ્યાર્થી કર્ણાટકના ચલગેરીનો રહેવાસી હતો અને હાલમાં યુક્રેનમાં અભ્યાસ કરતો હતો.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતના વિદેશ સચિવે રશિયા અને યુક્રેનના રાજદૂતોને બોલાવ્યા છે અને ખાર્કિવ અને અન્ય શહેરોમાં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢવાની મંજૂરી આપવાની માંગણી કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે રશિયા અને યુક્રેનમાં ભારતના રાજદૂત પણ સતત સરકાર સાથે વાત કરી રહ્યા છે અને ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓના સલામત સ્થળાંતર માટે રશિયા અને યુક્રેન સમક્ષ અનેકવાર રજૂઆત કરાઈ છે. 24 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પહેલા પણ આ માંગણી કરવામાં આવી હતી. ભારતમાં હાજર બંને દેશોના રાજદૂતો સાથે પણ વાત કરવામાં આવી હતી. અમારી તરફથી લોકોને બહાર કાઢવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. રશિયાના બેલગોરોડમાં ભારતની એક ટીમ સતત હાજર રહે છે. પરંતુ ખાર્કીવ અને આસપાસના શહેરોમાં યુદ્ધને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષામાં અવરોધ ઊભો થયો છે.