અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ સાવ ઘટી ગયા બાદ તમામ શાળા- કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરીને ઓફલાઈન શિક્ષણ શરૂ કરતા શાળા-કોલેજો વિદ્યાર્થીઓથી ધમધમી રહી છે. સાથે જ પરીક્ષાની મોસમ પણ શરૂ થઈ રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યા બાદ આજથી ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ (પ્રાયોગિક) પરીક્ષાનો પ્રારંભ થયો છે. જે 12 માર્ચ સુધી ચાલશે.
ધોરણ 12 સાયન્સના રાજ્યભરના વિદ્યાર્થીઓની આજથી પ્રાયોગિક પરીક્ષા શરૂ થઇ છે. તબક્કાવાર વિદ્યાર્થીઓ 12 માર્ચ સુધી પરીક્ષા આપશે. અલગ-અલગ સ્કૂલ ખાતે લેબોરેટરીમાં પ્રાયોગિક પરીક્ષા શરૂ થઇ છે. સ્કૂલના ત્રણ શિક્ષક અને બોર્ડ દ્વારા મૂકવામાં આવેલા એક શિક્ષક એમ કુલ ચાર શિક્ષકો દ્વારા પ્રાયોગિક પરીક્ષાનું નિરીક્ષણ કરીને માર્ક્સ આપવામાં આવશે. વિદ્યાર્થીઓના સ્કૂલમાં ઉપરાંત ખુલ્લી નજીકની અન્ય સ્કૂલમાં પણ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી અને 2 વાગ્યાથી 5 વાગ્યા સુઘી 1- 2 તબક્કામાં પરીક્ષા યોજાશે.
શહેરના એક શાળા સંચાલકે જણાવ્યું હતું કે, અલગ-અલગ સ્લોટમાં વિદ્યાર્થીઓને વિષય પ્રમાણે લેબમાં પરીક્ષા લેવામાં આવશે. એક વર્ષના અંતર બાદ આજે ફરીથી પરીક્ષા યોજાઈ રહી છે. વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે નિરીક્ષક ઉપરાંત અન્ય સ્ટાફ કાર્યરત છે. સરકારની ગાઈડલાઈન મુજબ બેઠક વ્યવસ્થા તથા પરીક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ 12 સાયન્સના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, પ્રાયોગિક પરીક્ષાની પૂરેપૂરી તૈયારી કરી છે. આ ઉપરાંત 28 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થશે તે માટે પણ હું અત્યારે રોજ આઠથી 9 કલાક મહેનત કરી રહ્યો છું. (file photo)