સૌરાષ્ટ્રના 12 ડેમમાં ઠલવાતા નર્મદા નીરનું બિલ 200 કરોડ બાકી, નર્મદા નિગમને કોઈ રૂપિયા આપતુ નથી
ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં એક સમય હતો કે પીવાના પાણી માટે વલખાં મારવા પડતા હતા. પાણીનો કોઈ સ્ત્રોત નહતો. કેટલાક સ્થલોએ તો ટ્રેન દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હતું, પરંતુ નર્મદા યોજના સાચા અર્થમાં સૌરાષ્ટ્ર-કચ્છની જીવાદોરી બની છે. સરકારે સૌરાષ્ટ્રના ડેમ અને તળાવો ભરવા માટે સૌની યોજના અમલમાં મુકી છે.આ યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના ડેમ અને તળાવો નર્મદાના નીરથી ભરવામાં આવે છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, નગરપાલિકાઓ કે મ્યુનિ.કોર્પોરેશન નર્મદા નિગમને પાણીના રૂપિયા આપતી નથી.
ઉનાળાની શરૂઆત થાય એટલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો પ્રશ્ન પીવાના પાણીનો ઉભો થાય છે. ગત ચોમાસામાં સારા વરસાદથી સૌરાષ્ટ્રના ડેમો છલોછલ થયા હતા. પરંતુ આયોજનના અભાવે દિવાળી તો માંડ આવે છે અને ડેમોના તળિયા દેખાવા લાગે છે. આથી સૌરાષ્ટ્રવાસીઓએ સૌની યોજના હેઠળ નર્મદા નીર પર આધાર રાખવો પડે છે. આ પાણી સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકના નર્મદા ડેમમાંથી આવતું હોવાથી તેના નિયમ મુજબ એક હજાર લીટરના 4 રૂપિયાના 18 પૈસા લેખે સરકારી તંત્ર દ્વારા વસૂલવામાં આવે છે. પરંતુ સૌરાષ્ટ્રના 11 ડેમોમાં ઠલવાતા નર્મદા નીરનું બિલ જે-તે મ્યુનિ કે સરકારી કચેરી દ્વારા છેલ્લા 4 વર્ષથી ચૂકવવામાં આવ્યું નથી. આથી આ બિલ 200 કરોડને પાર પહોંચી ચૂક્યું છે. ચાર વર્ષનું વ્યાજ જ 43 કરોડને આંબી ગયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉનાળાના આરંભ પૂર્વે પાણીની મુશ્કેલી ઉભી ન થાય તે માટે સૌની યોજના હેઠળ રાજકોટના આજી-1 ડેમમાં પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે.ત્યારબાદ ન્યારી-1 ડેમમાં પાણી પહોંચાડવામાં આવશે. દરમિયાન ગોંડલના વેરી તળાવને સૌની યોજનાથી ભરી દેવાની માંગ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સિંચાઈ તંત્ર દ્વારા પાણીના પૈસા ચૂકવવામાં ગલ્લા-તલ્લાં કરવામાં આવતા હોવાને લીધે સિંચાઈ વિભાગ ઉપર નર્મદા નિગમને પાણીનાં બિલની રકમ ચૂકવી શકતું નથી. પીવાના પાણીના પૈસા બાબતે સરકારી કચેરીઓ એકબીજાને ખો આપી રહી છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સૌની યોજના હેઠળ વર્ષ 2017ની 2221 સુધીના પાણી બિલની ઉઘરાણીના નર્મદા નિગમ દ્વારા સિંચાઈ વિભાગને પત્ર પાઠવી વધુ એક વખત પાણી બિલ પેટે રૂ.200 કરોડથી વધુ રકમ ચૂકવી દેવાની ઉઘરાણી કરવામાં આવી હતી. સૌની યોજના હેઠળ આજી 1, ન્યારી 1, મચ્છુ 1, ભાદ૨ 1 સહિતના 12 જળાશયોની લીંક 3 યોજના હેઠળ જે પાણી આપવામાં આવ્યું છે. તેના બિલ પેટે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન પાસે 79.41 જેવી ૨કમ વસુલવાની બાકી છે. વ્યાજ સહિત આ રકમ 91 કરોડને આંબી જાય છે. ગોંડલ નગરપાલિકા પાસે રૂ.17.21 કરોડ અને સુરેન્દ્રનગર સિંચાઈ વિભાગ પાસે રૂ. 11.77 કરોડ, જ્યારે જુદા જુદા ગામો અને શહેરની પંચાયતોના તળાવ-ચેકડેમ ભરી દેવા માટે રૂ.16.72 કરોડ જેવી રકમ વ્યાજ સહિત વસૂલવાની બાકી છે. જેમાંથી કોઈ પૈસા આપતું નથી.