યુક્રેનથી ભારત તો આવ્યા પણ અહીંથી ઘરે કેમ પહોંચીશું? મુંબઇ એરપોર્ટે લંબાવ્યો મદદનો હાથ
- કોઇને પાળતૂ શ્વાન માટે તો કોઇને એર ટિકિટ માટેની મદદ
- યુક્રેનથી ભારત પહોંચેલા વિદ્યાર્થીઓની મદદે આવ્યું મુંબઇ એરપોર્ટે અને તેના કર્મચારીઓ
મુંબઈઃ 19 વર્ષીય, સિયા દાસ યુક્રેનમાં મેડિકલનું શિક્ષણ મેળવવા માટે ગઇ હતી. યુક્રેન-રશિયા વચ્ચે જ્યારે યુદ્ધ થયું તો ભારત સરકારના “ઓપરેશન ગંગા” મિશન અંતર્ગત તેને સહી સલામત ભારત પરત લાવવામાં આવી. જો કે ગુવાહાટીની વતની તેવી આ છોકરીને મુંબઇ ઉતરીને તે ચિંતા હતી કે તે પોતાની ગુવાહાટીની ટિકિટ કેવી રીતે કરાવી? તેની ચિંતા તેના મનમાં હતી. પણ જ્યારે તે મુંબઇ એરપોર્ટ પર ઉતરી તો તેની ગુવાહાટીની ટિકિટ ફ્રી ઓફ કોસ્ટ તૈયાર હતી. સિયાએ આ બાબતે જણાવતા કહ્યું કે “મુંબઇ એરપોર્ટ મારા ઘરે જવા માટે ફ્રી ઓફ કોસ્ટ ટિકિટ કરાવી આવી, અને મારા ભોજનની પણ વ્યવસ્થા કરી આપી. ખરેખરમાં ભારત આવી આ રીતે મદદ મેળવીને હું ખૂબ જ ખુશ છું. જે રીતે લોકો ચૂપચાપ તમારી સહાય કરી રહ્યા છે, કોઇ પણ આશા રાખ્યા વગર, તે જોતા મને ગર્વ થાય છે કે હું ભારતીય છું! ”
આવી જ કંઇક વાત છે, યુક્રેનથી પોતાની સાથે પાળતૂ શ્વાનને લઇને ભારત પરત ફરેલી 23 વર્ષીય સુપ્રિયા કુમારની. સુપ્રિયા મેડિકલની વિદ્યાર્થીની છે અને તે પોતાના પાળતૂ શ્વાન કોકોને પણ તે પોતાની સાથે વતનમાં પાછું લાવવા માંગતી હતી. સુપ્રિયાએ આ પર કહ્યું કે “હું મારા પાળતૂ શ્વાનને ઘરે એકલો છોડવા તૈયાર નહતી. પણ એરપોર્ટ ઓથોરિટીવાળાએ મને તેની સાથે યાત્રા કરવા માટે પૂરતી સહાય કરી. હું કોકો સાથે ઘરે પાછી ફરીને ખૂબ જ ખુશ છું. એરપોર્ટ પર ઇમિગ્રેશન, RTPCR, બેગેજ કલેક્શન જેવી તમામ પ્રક્રિયાને ખૂબ જ ઝડપી અને વ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી. વળી મારી દિલ્હી જવાની ફ્લાઇટ બીજા દિવસની હતી, તો તેમણે અમારા રહેવાની વ્યવસ્થા પણ કરી આપી.”
એટલું જ નહીં અમદાવાદના કુંતાર્ત મકવાણા સામે બીજી જ સમસ્યા હતી. કુંતાર્તની પત્નીએ યુક્રેનમાં 25 દિવસ પહેલા જ બાળકને જન્મ આપ્યો હતો. અને યુદ્ઘની આ પરિસ્થિતિની વચ્ચે તેમની પાસે તેમના 25 દિવસના બાળકના વીઝા અને યોગ્ય ડૉક્યુમેન્ટ નહતા. પણ ભારત સરકારની સહાયથી તે મુંબઇ સહી સલામત રીતે પહોંચી ગયા. અને મુંબઇ એરપોર્ટે દ્વારા તેમના રહેવા માટે “નિરાંત”માં વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે આ નાનું બાળક તેના માતા-પિતા સાથે અમદાવાદ પહોંચી ગયું છે.
ઉલ્લેખનીય છે કે વૉર ઝોનથી આવતા આ વિદ્યાર્થીઓને મુંબઇ એરપોપર્ટ પર કોઇ તકલીફ ના પડે તે વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. અહીં તેમના માટે ઇમિગ્રેશનની પ્રક્રિયા ઝડપથી થાય તે માટે 10 કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. યુક્રેનથી આવતા તમામ યાત્રીઓના ભોજન માટે જ્યૂસ, પાણીની બોટલ સમેત ફૂડ બોક્સની વ્યવસ્થા પણ આપવામાં આવી રહી છે. સાથે જ આ લોકોને બેસવા માટે રાજ્ય આધારિત વેઇટિંગ એરિયા પણ તૈયાર કરાયો છે. અને મુંબઇથી દેશના વિવિધ રાજ્યોમાં જતા વિદ્યાર્થીઓને તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચી શકે તે માટે ટિકિટ, રહેવા અને અન્ય ટ્રાવેલ સંબંધિત સુવિધાઓ પૂરી પાડવા માટે પણ મદદ કરવામાં આવી રહી છે. મુંબઇ એરપોર્ટ તરફથી કરવામાં આવેલ આ સુવિધાઓને યુદ્ધગ્રસ્ત યુક્રેનથી આવતા ભારતીય યાત્રીઓએ પણ આવકારી હતી.