મહેસાણાઃ જિલ્લાના વિસનગર તાલુકાના સવાલા ગામે રાત્રિ દરમિયાન યોજાયેલા લગ્ન સમારોહમાં પીરસાયેલું ભોજન આરોગવાથી 1000થી વધુ લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થતાં દોડધામ મચી ગઈ હતી. ફુડ પોઈઝિંગના અસરગ્રસ્તોને વિસનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વિસનગર હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, જ્યાં દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા. અને જરૂરી મદદની ખાતરી આપી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લાના વિસનગરના સવાલા ગામે ગતરાત્રે એક વાગ્યે કોંગ્રેસના આગેવાન વઝીરખાનના પુત્ર શાહરુખના લગ્ન રિસેપ્શન યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યા હતા. લગ્નમાં દિલ્હી દરબાર નામના કેટર્સ દ્વારા જમવાનું બનાવવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારની વાનગી બનાવવામાં આવી હતી. ભોજન લેતાં જ 1200થી વધુ લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી.
લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્ય બાદ મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઝિટિવ થઈ જતા તાત્કાલિક જે વાહન મળ્યા એમાં બેસી વિસનગર, વડનગર, મહેસાણા સહિતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત્રે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ , મહેસાણા એસપી, અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
વિસનગર તાલુકાના સવાલા ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાન જમવાથી મોટી સંખ્યામાં ફૂડ પોઇઝનિંગ થતા લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. હાલ કુલ 1225 જેટલા દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં આખી રાત ડોકટરની ટીમ અને મેડિકલ સ્ટાફ વિવિધ હોસ્પિટલમાં હજાર રહી દર્દીઓને સારવાર આપી હતી. મોટાભાગના દર્દીઓની સારવારમાં સુધારો આવ્યો હોવાથી તેઓને ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે હજી પણ ઘણા દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. (file photo)