ગુજરાતમાં ભૂગર્ભ જળ ઊંડા ઉતરી રહ્યા છે, 6 જિલ્લામાં જળસ્તર ઊંચુ લાવવા 741.23 કરોડ ખર્ચાશે
રાજ્યમાં બનાસકાંઠા, કચ્છ સહિત અડધો ડઝનથી વધુ જિલ્લાઓમાં ભુગર્ભ પાણીના તળ ઊડા જઈ રહ્યા છે. પેટાળમાં સતત ખેંચાતા પાણીને કારણે વિષમ સ્થિતિ ભવિષ્યમાં સર્જાય તેવી શક્યતા છે. જળ એજ જીવન છે. પરંતુ લોકો પોતાના ફાયદા માટે જળનો સંયમતાથી ઉપયોગ કરતા નથી. આ વર્ષે સારા વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો છલોછલ ભરાઈ ગયા હતા. છતાં ઉનાળાના આગમન પહેલા જ જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જળાશયો કેમ ખાલી થઈ ગયા તે પણ તપાસનો વિષય છે. ચોમાસા દરમિયાન બોર-કૂવા રિચાર્જ કરાતા નથી, વરસાદી પાણી ભૂગર્ભ બોર કૂવામાં ઉતારવા માટે એક અભિયાન ચલાવવુ જોઈએ. કારણ કે પેટાળમાં જ પાણીનો જથ્થો ખૂટી જશે. તો વિકટ સ્થિતિ સર્જાશે એવું નિષ્ણાતોનું માનવું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના પેટાળમાં 739663.58 કરોડ લિટર પાણી સમાયેલું છે, સૌથી ઓછું 611.05 કરોડ લિટર પાણી પાટણ જિલ્લામાં, જ્યારે સૌથી વધુ 86042.67 કરોડ લિટર પાણી સુરતના પેટાળમાં છે. રાજ્યના 56 તાલુકા એવા છે કે, જેના ભૂગર્ભજળની સ્થિતિ સૌથી ખરાબ છે. જેમાં 5 તાલુકા કટોકટી, 13 તાલુકા મધ્યમ કટોકટી, 25 તાલુકા પાણીનો વધુ પડતો વપરાશ અને 13 તાલુકાના પેટાળમાં ખારું પાણી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા 741.23 કરોડના ખર્ચે અટલ ભૂજલ યોજના હેઠળ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને કચ્છ જિલ્લાના 36 તાલુકાના 2252 ગામનું ભૂગર્ભ જળસ્તર ઊંચુ લવાશે. યોજનાના પ્રથમ તબક્કે 2252 ગામોનો સરવે શરૂ કરાયો છે. રાજ્યના પાંચ તાલુકામાં ભૂગર્ભ જળની કટોકટીભરી સ્થિતિ છે.તેમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, કચ્છ જિલ્લાના અંજાર,અને ભુજ, તથા મહેસાણા જિલ્લાના વડનગર, પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 2252 ગામોનો સરવે શરૂ કરાયો, આ 22 તાલુકા કે જે પાણીનું વધું પડતું શોષણ કરનારા છે
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, બનાસકાંઠા જિલ્લાના ડીસા, દિયોદર, ધાનેરા, કાંકરેજ, લાખણી, થરાદ, વડગામ તેમજ ગાંધીનગર જિલ્લાના દહેગામ, ગાંધીનગર, કલોલ, અને માણસા તથા કચ્છ જિલ્લાના ભચાઉ, અને માંડવી, મહેસાણા જિલ્લાના બહુચરાજી, જોટાણા, કડી, ખેરાલુ, મહેસાણા, સતલાસણા, ઊંઝા, વિજાપુર, વિસનગર, પાટણ જિલ્લાના ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર તાલુકામાં ભૂગર્ભ જળની કટોકટીભરી સ્થિતિ છે.જ્યારે અમદાવાદ શહેર ઉપરાંત જિલ્લામાં દસ્કોઇ, દેત્રોજ-રામપુરા, ધોળકા, અને વિરમગામ તથા કચ્છ જિલ્લા નખત્રાણા, પોરબંદર જિલ્લાનો પોરબંદર તાલુકો, તેમજ સાબરકાંઠા જિલ્લાના ઇડર, પ્રાંતિજ, તલોદ, વડાલી તાલુકામાં ભૂગર્ભ જળની મધ્યમ કટોકટી છે.
રાજ્યમાં 13 તાલુકાનું ભૂગર્ભજળ ખારું છે. જેમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા,અને ધોલેરા, તથા બનાસકાંઠા જિલ્લાના ભાભર, સુઇગામ, વાવ અને કચ્છ જિલ્લાના ગાંધીધામ, મોરબી જિલ્લાના માલીયા પાટણ જિલ્લાના હારિજ, રાધનપુર, સમી, શંખેશ્વર, સાંતલપુર તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનો સમવેશ થાય છે.